પચીસ તોલાની ગોલ્ડલોનમાં ગંભીર ગરબડી?આઠ લાખની લોન કરતાં વધુ વસૂલાત છતાં ‘ચેક રિટર્ન’ના કેસો? મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીનાં સંચાલકો સામે ફરિયાદ!

રાજકોટમાં લોન લીધા બાદ ૨૪ તોલા સોનાના દાગીના ઓગળ્યાનો આક્ષેપ લટકામાં રાજકોટમાં ૧૦.૭૫ લાખ,ઉનામાં ૮૦ હજાર અને મોરબીમાં ૫૦ હજારના ચેકની ફરિયાદ! હજુ એક કોરો ચેક સંચાલકોના ભાથામાં અકબંધ!

ભારત હેડલાઈન,તા.૧૧

લોન આપવી,વસૂલાત કરવી અને બાકી રકમ માટે કાયદેસરની કાર્યવાહી કરવી એ નાણાકીય વ્યવસ્થાનો ભાગ છે.પરંતુ લોનનાં હપ્તા વસુલ કર્યા બાદ લોન કરતા વધુ રકમ વસૂલાઈ હોવા છતાં જો અલગ-અલગ શહેરોમાં અલગ બેંક ખાતાઓમાં ચેક નાખીને ચેક રિટર્નના કેસો કરવામાં આવતા હોવાના આક્ષેપો થાય,તો સ્વાભાવિક રીતે જ સમગ્ર વસૂલાત પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થાય છે.

રાજકોટની મેસન ક્લબ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. સામે એક અરજદારે પોલીસ કમિશનર સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં આવા જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ફરિયાદીનું કહેવું છે કે લોન રાજકોટમાંથી લેવામાં આવી હતી અને લોનના વ્યવહાર દરમિયાન ૨૫ તોલા સોનાના દાગીના સોસાયટી પાસે ગયા બાદ તે સોનું ઓગળી નાખ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદીએ અરજીમાં કરેલ આક્ષેપ મુજબ,પોતાની પચીસ તોલા સોનાની ગોલ્ડ લોન ખાનગી બેન્કમાં ચાલતી હતી પણ તેમાં વ્યાજ વધુ વસુલવામાં આવે છે તેવી વાતોમાં ભોળવીને મેસન કલબના સંચાલકોએ ફરિયાદને આ સોનું લઈને ૮.૩૯ લાખની લોન આપી હતી.લોન આપતી વખતે ફરિયાદી પાસેથી કેટલાક કોરા ચેક પણ લઇ લીધા હતા.ત્યારબાદ મંડળીએ કેટલાક હપ્તાની વસુલાત પણ કરી હતી.
ફરિયાદીના આક્ષેપ પ્રમાણે ત્યારબાદ હપ્તામાં પંહોચી ન વળતા અને મોડું થતા મંડળીના માણસો ઘરે આવીને અવાર નવાર દબાણ કરતા રહેતા હતા અને મોટી રકમ આપવા માટે ધમકાવતા રહેતા હતા.ત્યારે સોનું વેંચીને બાકી લોન ભરપાઈ કરવાનું કહેતા ‘સોનું તો ગઈ ખાઈ ગઈ’,તેવી ધમકી આપી પૂરી લોન ભરવાનું દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેમ તેમ કરીને લોન ભારપાઈ કરવાના પ્રયાસો કરતા હતા તે દરમ્યાન મંડળીના સંચાલકોએ કાનૂની દબાણ લાવવા પોતાની પાસે રહેલા કોરા ચેક પૈકી એક ચેક ૧૦.૭૫ લાખનો રાજકોટની બેંકમાં ભરીને ચેક રીટર્નનો કેસ કરી નાખ્યો.બાદમાં સંચાલકો અજાણ્યા માણસોને ઘરે મોકલીને ધમકાવતા હતા.આ સમય દરમ્યાન મંડળીના સંચાલકોએ ૮૦ હજારનો એક બીજો ચેક ઉનાની બેન્કમાં નાખીને ચેક રીટર્નનો કેસ કરાવ્યો.તો હમણા પચાસ હજારનો ત્રીજો ચેક મોરબીની બેન્કમાં નાખીને ચેક રીટર્નનો કેસ કરાવાતા ફરિયાદી અને પરિવારને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.મંડળીના સંચાલકો હજુ એક કોરો ચેક દ્વારકાની બેન્કમાં નાખવાની ધમકી આપી રહ્યા હોવાનું ફરિયાદીનું કહેવું છે.
આમ,આઠ લાખની લોન સામે મંડળીના સંચાલકો ૨૫ તોલા સોનું ઓળવી ગયા,ભારપાઈ કરેલા હપ્તા ચાઉ કરી ગયા પછી ફરિયાદી પાસેથી વધુ બાર લાખ વસુલવા અનૈતિક હથકંડા અપનાવી રહ્યા હોવાના આરોપો સાથે ફરિયાદીએ થાકી હારીને પોલીસ કમિશ્નરના દરબારમાં ઘા નાખી છે.ફરિયાદીનો આક્ષેપ છે કે આ રીતે અલગ-અલગ ખાતાઓમાં ચેક જમા કરાવીને તેમના ઉપર સતત નાણાકીય અને કાનૂની દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

અહીં મૂળ સવાલ એ છે કે એક જ લોનના વ્યવહારમાં અલગ-અલગ સ્થળે કરવામાં આવેલી વસૂલાતની સંપૂર્ણ હિસાબી વિગતો શું છે? લોનની મૂળ રકમ કેટલી હતી? વ્યાજ સહિત કુલ કેટલી રકમ ચૂકવાઈ? સોનાના દાગીનાની સામે કેટલી રકમ ગણવામાં આવી? અને ત્યારબાદ પણ કેટલા ચેક બાકી હોવાનું દર્શાવવામાં આવ્યું?આ સવાલોના જવાબો દસ્તાવેજી હિસાબ સામે આવે તો જ સમગ્ર મામલાની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ શકે.અરજદારે પોલીસ કમિશ્નરને કરેલી ફરિયાદમાં સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તથા પોતાને અને પરિવારને સુરક્ષા આપવાની માંગ કરી છે.

‘વસૂલાત’ કે કાનૂની દબાણ?

ફરિયાદમાં માત્ર નાણાકીય વ્યવહારનો જ મુદ્દો નથી.અરજદારે કથિત રીતે ઘરે આવીને હેરાન કરવા,ધમકી આપવા અને કોર્ટના કેસો મારફતે દબાણ ઊભું કરવા જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા છે.ફરિયાદીનો વધુમાં આક્ષેપ છે કે રાજકોટ તથા મોરબી સહિત વિવિધ સ્થળોએ કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમગ્ર પ્રક્રિયાથી પરિવાર માનસિક તણાવમાં મુકાયો છે.ભોગ બનેલા પરિવારે અંતિમ વિકલ્પ આપઘાતનો હોવાનો પોકાર પણ કર્યો છે.

હવે ‘એક લોન, અનેક ચેક અને
અનેક કેસ’ની તપાસ જરૂરી?

સમગ્ર મામલે જો ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપોમાં તથ્ય હોય,તો તપાસનો મુખ્ય મુદ્દો માત્ર ચેક રિટર્ન સુધી મર્યાદિત ન રહેતા લોન એકાઉન્ટનું સંપૂર્ણ સ્ટેટમેન્ટ,વસૂલાતની રસીદો,ગોલ્ડ લોન સંબંધિત દસ્તાવેજો,સોનાની હરાજી/વેચાણની વિગતો,ચેક કયા ખાતામાં અને કયા હેતુથી જમા કરાયા તથા દાખલ થયેલા કેસોની વિગતો સુધી પહોંચવું જરૂરી બને છે.કારણ કે નાણાકીય વિવાદમાં આખરી સત્ય દાવા-પ્રતિદાવાથી નહીં પરંતુ દસ્તાવેજો અને હિસાબની ચકાસણીથી બહાર આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE