પોલીસ મથકે જ સોડા બોટલો ફૂટી પણ ખાખી ‘અંધાપો’ ઓઢી ગઈ: પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જ કાચના ઘા ઝીંકાયા છતાં એફ.આઈ.આર.માં સબ સલામત
રાજકોટના પ્ર.નગર પોલીસ મથકનો કિસ્સો આજના સમયમાં કાયદો અને વ્યવસ્થાની કેવી ‘ગુલાબી’ સ્થિતિ છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભિસ્તીવાડમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધા જિલુબેન ભાણુ પર હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી લેવા બાબતે આરોપીઓ રુદ્ર ગઢવી અને સોયબ ગોરી દ્વારા તૂટેલી કાચની બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે દાખલ થયેલી ફરિયાદમાં ઘટનાસ્થળ તરીકે માત્ર ભિસ્તીવાડનો ઉલ્લેખ કરીને ખાખી વર્ધીએ પોતાની ‘આબરૂ’ સાચવી લીધી છે. અંદરખાને વહેતી થયેલી ચર્ચા મુજબ, ખુદ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પરિસરમાં જ સોડા બોટલોના છૂટા ઘા ઝીંકવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો બનાવ બન્યો હતો. પરંતુ, જો પોલીસ મથકમાં જ બોટલો ફૂટે અને એ કાગળ પર આવે, તો સાહેબોની ‘શાખ’નું શું? એટલે જ કદાચ, ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાં બનેલી આ બોટલબાજીનો એક અક્ષર પણ લખવાની ‘હિંમત’ તપાસનીસ અમલદારો દાખવી શક્યા નથી! કાયદાનું રક્ષણ કરતા ધામમાં જ જો આવી ગંભીર ઘટનાઓને કાગળ પરથી ગાયબ કરી દેવાતી હોય, તો સામાન્ય જનતા માટે ખાખીનો ખોફ છે કે ગુનાહિત તત્વો માટે ખાખી માત્ર ‘કાગળનો વાઘ’ બનીને રહી ગઈ છે, તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.










