દાહોદના ગુણા ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન: મંજૂર થયેલી ગ્રાન્ટ છતાં બાળકોને પાણી માટે ભટકવું પડે છે

₹65 હજારની બોર-મોટર યોજના કાગળો પર જ સીમિત? એક વર્ષથી ટાંકીમાં પાણી નહીં, વિદ્યાર્થીઓ ઘરેથી પાણીની બોટલ લાવવા મજબૂર

લીમખેડા: દાહોદ જિલ્લાના ગુણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ હોવા છતાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શાળાના પરિસરમાં એક વર્ષ પહેલાં પાણીની ટાંકી અને નળની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેમાં એક ટીપું પાણી પણ આવ્યું નથી. પરિણામે સમગ્ર સિસ્ટમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.

પીવાના પાણીની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ દરરોજ ઘરેથી બે-બે લિટરની પાણીની બોટલ લઈને શાળાએ આવે છે. મધ્યાહ્ન ભોજન બાદ ઘણા વિદ્યાર્થીઓ આસપાસના મકાનોમાં પાણી ભરવા માટે જતા હોવાનું વાલીઓએ જણાવ્યું છે. બાળકોને રોડ ક્રોસ કરીને પાણી લેવા જવું પડતું હોવાથી અકસ્માતની આશંકા પણ વધી રહી છે.

આ ગંભીર સમસ્યાને લઈને શાળાના આચાર્ય દ્વારા વાલીઓ સાથે બેઠક યોજી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, શાળામાં બોર અને મોટર સ્થાપવા માટે પંચાયતી રેકોર્ડ મુજબ વર્ક આઈડી-1122702, વહીવટી મંજૂરી નંબર-93 હેઠળ 11 ડિસેમ્બર, 2025ના રોજ ₹65 હજારની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ 21 ફેબ્રુઆરી, 2026ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી (DPO) તરફથી ટેક્નિકલ મંજૂરી (TS) પણ આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

આ સમગ્ર મામલે ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકોમાં અનેક સવાલો ઊભા થયા છે. મંજૂર થયેલી ગ્રાન્ટ છતાં કામગીરી કેમ શરૂ થઈ નથી? શું બોર-મોટરનું કામ માત્ર કાગળો પૂરતું જ રહી ગયું છે કે પછી તેમાં કોઈ ગેરરીતિ થઈ છે? તે અંગે યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે.

હવે સૌની નજર જવાબદાર તંત્ર પર છે કે વિદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણીના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે કે પછી આ મુદ્દો પણ અન્ય રજૂઆતોની જેમ ફાઈલોમાં જ દટાઈ જશે.

રિપોર્ટર: માધવ મકવાણા, દાહોદ-લીમખેડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE