દાહોદમાં ‘દિશા’ સમિતિની બેઠક: કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓની સાંસદ જસવંતસિંહ ભાભોરે કરી સમીક્ષા

વિકાસ કાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચના; લાભાર્થી સુધી યોજનાઓ પારદર્શક રીતે પહોંચાડવા પર ભાર

દાહોદ: દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને મોનિટરિંગ સમિતિ (DISHA)ની બેઠક દિશા સમિતિના અધ્યક્ષ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાના 54 જેટલા વિભાગો હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે વિભાગવાર ચર્ચા કરવામાં આવી હતી. વિકાસ કાર્યોની હાલની સ્થિતિ, અમલીકરણની ગતિ અને પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લેવામાં આવી હતી.

સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે સરકારની દરેક યોજના છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિક સુધી પારદર્શક, અસરકારક અને સમયસર પહોંચવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જિલ્લાના તમામ વિકાસલક્ષી અને માળખાકીય કામો ગુણવત્તાયુક્ત રીતે તથા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ વિભાગોએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.

તેમણે વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન જાળવી લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા તેમજ દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા પણ અધિકારીઓને સૂચનો કર્યા હતા.

બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર તેમજ પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા, નાયબ પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: માધવ મકવાણા, દાહોદ-લીમખેડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE