આરોગ્ય વિભાગની ટીમવર્કથી સફળ કામગીરી; ગંભીર રોગોથી સુરક્ષા માટે કિશોર-કિશોરીઓને અપાયું રક્ષણ
ઝાલોદ: ઝાલોદ તાલુકાની મુનખોસલા માધ્યમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન Td (ટિટેનસ-ડિફ્થેરિયા) રસીકરણ અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત ધોરણ-10માં અભ્યાસ કરતા કુલ 344 કિશોર-કિશોરીઓને Td રસી આપી ગંભીર ચેપી રોગો સામે સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
આ કામગીરી દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આર.બી.એસ.કે. (RBSK) ટીમ ધાવડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયાની ટીમે સંકલિત આયોજન સાથે સમગ્ર અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
રસીકરણ દરમિયાન વિદ્યાર્થીઓના આરોગ્યની જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ પણ આરોગ્ય વિભાગની ટીમને સંપૂર્ણ સહયોગ આપતાં સમગ્ર કામગીરી સુચારુ રીતે સંપન્ન થઈ હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોર વયના બાળકોને સમયસર રસી આપવાથી ટિટેનસ અને ડિફ્થેરિયા જેવા ગંભીર રોગો સામે અસરકારક રક્ષણ મળે છે. વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.
“તંદુરસ્ત આવતીકાલ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે” તે સંદેશ સાથે આરોગ્ય વિભાગે વધુમાં વધુ લોકોને રસીકરણ અંગે જાગૃત રહેવાની અપીલ પણ કરી છે.











