મધ્યપ્રદેશના આર્થિક પાટનગર ગણાતા ઇન્દોરમાં હાઇવે પર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા વાહનોને કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઇન્દોર-દેવાસ હાઇવે પર ગુરૂવારે મોડી રાત્રે બનેલી એક કાળજું કંપાવનારી ઘટનામાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું અકાળે અવસાન થયું છે. તેજ રફતાર પ્રાઇવેટ લક્ઝરી બસે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ ઇન્દોરના ક્ષિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
-
મૂળ ઉત્તર પ્રદેશના બલિયાના વતની પ્રભાત સિંહ પોતાનું સત્તાવાર કામ પતાવીને દેવાસથી કાર દ્વારા ઇન્દોર તરફ પરત ફરી રહ્યા હતા.
-
ક્ષિપ્રા નજીક કોઈ કામ અર્થે તેમણે પોતાની કાર રોડની બાજુમાં ઊભી રાખી હતી.
-
તેઓ કારમાંથી નીચે ઉતરી, પોતાનું કામ પતાવીને જેવો કારનો દરવાજો ખોલી અંદર બેસવા જઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસે તેમને જોરદાર ટક્કર મારી દીધી.
આ ભીષણ અકસ્માતમાં પ્રભાત સિંહ હવામાં ફંગોળાયા હતા અને તેમના માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રાત્રે જ પોસ્ટમોર્ટમ કરી દેહ વતન રવાના કરાયો
આ એક હાઈ-પ્રોફાઈલ અને વીઆઈપી કેસ હોવાથી, તેમજ પરિવારની વિનંતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ મંજૂરી આપવામાં આવી હતી. શુક્રવારે વહેલી સવારે ૩ વાગ્યે જ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. ત્યારબાદ સવારે ઇન્દોર એરપોર્ટ પરથી વિમાન મારફતે તેમના પાર્થિવ દેહને ઉત્તર પ્રદેશના બલિયા ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાના અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવાર સહિત બલિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંતિમ સંસ્કાર માટે તમામ સગા-સંબંધીઓ અને રાજકીય નેતાઓ વતને પહોંચી ગયા છે, જ્યાં સંપૂર્ણ રીત-રિવાજો સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બસ મૂકીને ડ્રાઈવર ફરાર, પોલીસ તપાસ તેજ
અકસ્માત સર્જ્યા બાદ બસનો ચાલક અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળે જ બસ મૂકીને નાસી છૂટ્યો હતો. ઇન્દોર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર બસ ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવાનો કેસ દાખલ કર્યો છે. આરોપી ડ્રાઈવરને ઝડપી પાડવા માટે હાઇવે, સ્થાનિક શાળાઓ અને ટોલ નાકા પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કરીને તપાસ તેજ કરવામાં આવી છે.
Post Views: 0











