રોહિત શર્મા ઇતિહાસ રચવાની નજીક: ઓપનર તરીકે 16,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે માત્ર 6 રનની જરૂર,

ભારતીય ટીમ આગામી ૧૩ જૂનથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની વનડે શ્રેણી રમવા જઈ રહી છે. લાંબા સમય બાદ ભારતીય ટીમ આ ફોર્મેટમાં રમતી જોવા મળશે. આ શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, તો કેટલાક સિનિયર ખેલાડીઓની વાપસી થઈ છે. જોકે, ક્રિકેટ ચાહકો જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે કેપ્ટન રોહિત શર્માની વાપસી. રોહિત શર્માની ફિટનેસને લઈને અગાઉ સસ્પેન્સ સર્જાયું હતું, પરંતુ હવે તેમનું રમવાનું સંપૂર્ણપણે નક્કી થઈ ગયું છે. આ શ્રેણીમાં રોહિત શર્મા પાસે બેટિંગમાં એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની સુવર્ણ તક રહેશે, જેનાથી તેઓ માત્ર ૬ રન દૂર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. જોકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ એકવાર ઓપનિંગમાં તક મળ્યા બાદ તેમણે આ સ્થાન પર પોતાનો દબદબો કાયમ કર્યો હતો. ઓપનર તરીકે રોહિતના રેકોર્ડ પર નજર કરીએ તો, તેમણે ૩૫૮ મેચોની ૩૮૩ ઇનિંગ્સમાં ૪૫.૩ની શાનદાર એવરેજ સાથે કુલ ૧૫,૯૯૪ રન બનાવ્યા છે. જેમાં તેમના નામે ૪૫ સદી અને ૮૩ અર્ધસદી નોંધાયેલી છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં જો રોહિત માત્ર ૬ રન બનાવી લેશે, તો તેઓ ઓપનર તરીકે ૧૬,૦૦૦ રનનો આંકડો પાર કરનારા વીરેન્દ્ર સેહવાગ પછી માત્ર બીજા ભારતીય ખેલાડી બનશે. વૈશ્વિક સ્તરે આ સિદ્ધિ મેળવનારા તેઓ વિશ્વના માત્ર સાતમા ઓપનર બનશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં શ્રીલંકાના સનથ જયસૂર્યા ૧૯,૨૯૮ રન સાથે મોખરે છે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (૧૮,૮૬૭ રન), ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (૧૮,૭૪૪ રન), સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ (૧૬,૯૫૦ રન), વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હેન્સ (૧૬,૧૨૦ રન) અને ભારતના વીરેન્દ્ર સેહવાગ (૧૬,૧૧૯ રન)નો નંબર આવે છે. રોહિત શર્મા હાલ ૧૫,૯૯૪ રન સાથે સાતમા સ્થાને છે.

અફઘાનિસ્તાન સામેની આ સિરીઝમાં રોહિત શર્મા પાસે માત્ર ૧૬,૦૦૦ રન પૂરા કરવાનો જ મોકો નથી, પરંતુ તેમની પાસે વીરેન્દ્ર સેહવાગ અને ડેસમંડ હેન્સના રેકોર્ડને પણ તોડવાની ઉત્તમ તક છે. જો રોહિત આ આગામી ત્રણ વનડે મેચોમાં કુલ ૧૨૬ રન બનાવી લે છે, તો તેઓ હેન્સ અને સેહવાગ બંનેને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સીધા પાંચમા સ્થાને પહોંચી જશે. ચાહકોને આશા છે કે રોહિત પ્રથમ વનડેમાં જ આ નવો કીર્તિમાન સ્થાપિત કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE