સુખસર/ફતેપુરા: ગત તારીખ 2 મે 2026થી શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર થતાં જ બાળકો ઘરે આવી ગયા છે. વેકેશન દરમિયાન સામાન્ય રીતે વાલીઓ માટે મોટી ચિંતા એ હોય છે કે બાળકો ઘરના સભ્યોનું કહેવું માનતા નથી. વધુ પડતો ગુસ્સો કરે છે, આળસ અનુભવે છે અને કલાકો સુધી મોબાઈલના સ્ક્રીન સામે વળગેલા રહે છે. વાલીઓની આ તમામ મૂંઝવણો અને ચિંતાઓમાંથી મુક્તિ અપાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુખસર અને ફતેપુરા બંને તાલુકાના સેન્ટર તરીકે ભીતોડી પ્રાથમિક શાળા ખાતે 15 દિવસીય ‘સમર યોગ કેમ્પ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
તારીખ16 મે 2026થી શરૂ થયેલો આ વિશેષ કેમ્પ આગામી તારીખ 30 મે 2026 સુધી ચાલશે.જેમાં 7 થી 15 વર્ષના મોટી સંખ્યામાં કુમાર અને કન્યાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
નિષ્ણાંતો દ્વારા યોગ અને સંસ્કારનું સિંચન
આ સમર કેમ્પમાં અનુભવી અને નિષ્ણાંત યોગ કોચ દ્વારા દરરોજ સવારે 7:00 થી 9:00 દરમિયાન બે કલાક સુધી બાળકોને યોગ અને પ્રાણાયામની સાથે ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારોનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેમ્પ દરમિયાન બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી મહત્વપૂર્ણ બાબતો શીખવવામાં આવી રહી છે, જેમ કે:
-
વહેલી સવારે કેવી રીતે ઊઠવું અને દિનચર્યા ગોઠવવી.
-
માતા-પિતા તથા વડીલોનું આદર-સન્માન કરવું અને તેમને પગે લાગી આશીર્વાદ લેવા.
-
જીવનમાં હંમેશા સાચું બોલવું, નિષ્ઠાવાન અને પ્રમાણિક બનવું.
-
સ્વભાવમાંથી ગુસ્સો અને આળસ કેવી રીતે દૂર કરવા.
-
યાદશક્તિમાં વધારો કરવો અને જીવન પ્રત્યે હંમેશા પોઝિટિવ (હકારાત્મક) અભિગમ રાખવો.
-
સૌથી મહત્વનું, મોબાઈલના વળગણ અને તેના દૂષણથી કેવી રીતે દૂર રહેવું.
આ તમામ વિષયો પર બાળકોને શુષ્ક જ્ઞાન આપવાના બદલે જુદા જુદા પ્રેરણાદાયી ઉદાહરણો, દ્રષ્ટાંતો અને રસપ્રદ બોધકથાઓ દ્વારા જીવંત માહિતી પીરસવામાં આવી રહી છે.
પૌષ્ટિક આહાર અને આકર્ષક કીટનું વિતરણ
કેમ્પમાં ભાગ લઈ રહેલા તમામ બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બાળકોને દરરોજ નેચરલ ડ્રિંક્સ (કુદરતી પીણાં) તેમજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ ઉપરાંત, કેમ્પ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ સહભાગી બાળકોને ડિજિટલ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) એનાયત કરવામાં આવશે. બાળકો ઘરે જઈને પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકે તે માટે અત્યારથી જ તેમને યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્રપોથી અને આકર્ષક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું છે.
મર્યાદા કરતા વધુ બાળકો જોડાયા, ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ
આ આયોજનમાં આમ તો માત્ર 100 બાળકોની જ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ વાલીઓ અને બાળકોના અભૂતપૂર્વ ઉત્સાહને કારણે હાલમાં 100થી વધુ બાળકો આ કેમ્પનો ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે. કેમ્પમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી તમામ બાળકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન આદર્શ બાળક કોને કહેવાય, આદર્શ બાળકના ગુણો, તેમની આદર્શ દિનચર્યા અને આહાર કેવો હોવો જોઈએ તેમજ વધુ પડતા મોબાઈલના ઉપયોગથી શરીર અને મગજ પર થતી આડઅસરો વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી રહી છે.
ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
ભીતોડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર, ગામના માજી સરપંચ શ્રી, માજી ડેપ્યુટી સરપંચ શ્રી, એસ.એમ.સી. (SMC) અધ્યક્ષ શ્રી તેમજ એસ.એમ.સી. કમિટીના તમામ સભ્યો વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ
Post Views: 52










