મુળીના કળમાદમાં 108ની ટીમ દેવદૂત બની: એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ, માતા-બાળક સુરક્ષિત

મુળી તાલુકાના કળમાદ વાડી વિસ્તારમાંથી માનવતા અને ત્વરિત તબીબી સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં રહેતા 21 વર્ષીય કવિતાબેનને તેમની પ્રથમ પ્રસૂતિ દરમિયાન 108 ઇમરજન્સી સેવા ટીમે સમયસર પહોંચીને સફળ ડિલિવરી કરાવી હતી. કટોકટીની પળોમાં 108ની ટીમે દાખવેલી તત્પરતાને કારણે એક નવજીવન પૃથ્વી પર આવ્યું છે.

ગત તારીખ 17 મે 2026ના રોજ વહેલી સવારે કવિતાબેનને અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પરિવારજનોએ વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને કોંઢ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એમ્બ્યુલન્સમાં હાજર પાયલોટ વિપુલભાઈ અને EMT (ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન) સુરેશ ચૌધરીએ સ્થિતિની નાજુકતા જોઈને સતર્કતા પૂર્વક કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલ પહોંચે તેટલો સમય ન હોવાથી, આ કુશળ ટીમે એમ્બ્યુલન્સની અંદર જ વહેલી સવારે 5:05કલાકે સફળ પ્રસૂતિ કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકની પ્રાથમિક સારવાર કરી, બંનેને વધુ દેખરેખ માટે મુળી CHC (સામુદાયિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સુરક્ષિત રીતે ખસેડાયા હતા.

108 ટીમની આ ઝડપી કામગીરી અને અદભુત સમયસૂચકતાને કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો હતો, જેથી પરિવારજનોએ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ પણ આ સરાહનીય કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર મળતી આવી આરોગ્ય સેવાઓ ગરીબ અને મધ્યમ પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE