કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મધુર ડેરીના ₹128 કરોડના અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ: ગાંધીનગર જિલ્લાની આર્થિક સમૃદ્ધિમાં નવું છોગું

ગાંધીનગરના દશેલા ગામ ખાતે આવેલી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (મધુર ડેરી)ના નવનિર્મિત, ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું આગામી તા. 17 મે 2026, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. અંદાજિત ₹128 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન પ્લાન્ટની શરૂઆતી દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લીટર છે. જેને ભવિષ્યની જરૂરિયાત મુજબ વધારીને પ્રતિ દિવસ 5.0 લાખ લીટર સુધી વિસ્તારી શકાય તેવી સુવિધા રાખવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી ડેરી બનશે મધુર ડેરી

આ નવા પ્લાન્ટના લોકાર્પણ સાથે જ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા વધીને પ્રતિ દિવસ 5.0 લાખ લીટર સુધી પહોંચી જશે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાના સૌથી મોટા સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે. આ નવીન ડેરી પ્લાન્ટના કારણે જિલ્લાના પશુપાલકો અને ગ્રાહકો બંનેને સીધો ફાયદો થશે.જેમાં પશુપાલકોના દૂધનું સંપૂર્ણ પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે જ થઈ શકશે.અને તેમને પોષણક્ષમ ભાવો મળશે. જ્યારે ગ્રાહકોને વધુ શુદ્ધ, ગુણવત્તાયુક્ત દૂધ અને તેની બનાવટો ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અમુલ ફેડરેશન (GCMMF) માટે પણ નવી પ્રોડક્ટ્સ બનાવવાની ક્ષમતામાં મોટો વધારો થશે.

મંડળીઓથી શરૂ થયેલી સફર: વાર્ષિક ટર્નઓવર 628 કરોડને પાર

અમુલ ફેડરેશન (GCMMF) સાથે જોડાયેલી મધુર ડેરીની સ્થાપના તા. 06 ફેબ્રુઆરી 1971ના રોજ માત્ર 4 દૂધ મંડળીઓના સહયોગથી કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં આ મંડળીઓ દ્વારા પ્રતિદિન સરેરાશ માત્ર 6,433 લિટર દૂધ જ એકત્રિત કરવામાં આવતું હતું. અને ડેરીનું વાર્ષિક ટર્નઓવર પણ માત્ર ₹7 લાખ જેટલું જ સીમિત હતું. પરંતુ છેલ્લા પાંચ દાયકામાં પશુપાલકોની સતત મહેનત અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસને કારણે ડેરીએ અદ્દભુત પ્રગતિ કરી છે. વર્ષ 2025-2026ના સરેરાશ આંકડા મુજબ, હવે પ્રતિદિન 2,76,૦૦૦ લિટર દૂધનું સંપાદન થાય છે. અને ડેરીનું વાર્ષિક ટર્નઓવર વધીને આશરે ₹628કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

સહકાર અને માળખાકીય વિકાસ થકી પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ

વ્યાપાર અને સહકારના મોરચે મધુર ડેરીએ છેલ્લા કેટલાંક વર્ષોમાં અભૂતપૂર્વ સફળતા હાસલ કરી છે. ડેરી પ્રશાસન દ્વારા લાંબા ગાળાની વિકાસલક્ષી વહાણવટી વ્યૂહરચના અપનાવવામાં આવી છે, જેના ભાગરૂપે અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ અને નવી યોજનાઓ અમલમાં મૂકીને ડેરીનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મધુર અને અમુલ બ્રાંડ હેઠળ ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પહોંચાડવાની આ કટિબદ્ધતાને કારણે, ગાંધીનગર જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને ખુશહાલી આવી રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE