અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં બેઇજિંગની મુલાકાતે જઈ રહ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર ટ્રમ્પ 13 થી 15 મે દરમિયાન ચીનનો રાજકીય પ્રવાસ કરશે. ત્રણ દિવસની આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને મહાસત્તાઓ વચ્ચેના કૂટનીતિક સંબંધોને ફરી પાટા પર લાવવાનો છે.
ચીની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ બેઠકમાં બંને નેતાઓ પરસ્પર હિતો અને જટિલ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. આ મુલાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે સંવાદના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
ચીનની ચેતવણી: ‘અમારા અંગત મામલામાં દખલ ન કરો’
નોંધનીય છે કે આ પ્રવાસ પહેલા બંને દેશો વચ્ચે ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ને લઈને તણાવ જોવા મળ્યો હતો. ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોંગ જૂને અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓ ઈરાન સાથેના ચીનના સંબંધોમાં દખલ ન કરે. અમેરિકી નૌકાદળ દ્વારા કરવામાં આવતી સંભવિત નાકાબંધી પર પ્રતિક્રિયા આપતા જૂને કહ્યું હતું કે, “ઈરાન સાથે અમારા વેપાર અને ઉર્જા કરારો છે, અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો અમારા આંતરિક મામલામાં દખલ ન કરે.”
હોર્મુઝ જલમાર્ગ કેમ છે ચીન માટે મહત્વનો?
ચીન માટે આ દરિયાઈ માર્ગ જીવનરેખા સમાન છે, કારણ કે:
-
ચીનની જરૂરિયાતનું 40% તેલ આ માર્ગેથી આવે છે.
-
લગભગ 30% LNG (કુદરતી ગેસ) નો પુરવઠો આ જલમાર્ગ પર નિર્ભર છે. આથી જ, ચીન આ વિસ્તારમાં યુદ્ધવિરામ અને સુરક્ષા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે
-
ભારત માટે ચિંતાનું કારણ: બદલાતા સમીકરણો
છેલ્લા બે દાયકાથી ભારતની વિદેશ નીતિમાં અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ ફાયદાકારક રહ્યો છે. ‘ક્વાડ’ (QUAD) ગ્રુપ હોય, અમેરિકા સાથેનો ટેકનોલોજી ટ્રાન્સફર કરાર હોય કે પછી ‘ચિપ સિસ્ટમ’માં ભારતનું વધતું મહત્વ – અમેરિકા હંમેશા ચીનને કાઉન્ટર કરવા માટે ભારતને પ્રાથમિકતા આપતું આવ્યું છે.
પરંતુ ટ્રમ્પના શાસનમાં સ્થિતિ બદલાતી જણાય છે:
-
પાકિસ્તાન સાથે નિકટતા: ટ્રમ્પના પાકિસ્તાન તરફી વલણે ભારતની ચિંતા વધારી છે.
-
ચીન સાથે મિત્રતાની શક્યતા: જો આ બેઠક પછી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સુધરશે. તો ભારત માટે ચીન-પાકિસ્તાન-અમેરિકાનું ત્રિપુટી ગઠબંધન મોટો પડકાર બની શકે છે.
-
નિર્ણાયક સ્થિતિ: જો આ બેઠક નિષ્ફળ રહે અને દુશ્મની વધે, તો ભારત માટે તટસ્થ રહેવું મુશ્કેલ બનશે અને કોઈ એક પક્ષની પસંદગી કરવાનું દબાણ વધી શકે છે.ટ્રમ્પનો આ ચીન પ્રવાસ માત્ર બે દેશો વચ્ચેની મુલાકાત નથી.પરંતુ તે દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારત માટે નવા ભૂ-રાજકીય (Geopolitical) પડકારો લઈને આવી શકે છે.
Post Views: 0











