ધોરાજી સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની દીકરીનો ધોરણ 10 બોર્ડમાં ડંકો : 99.99 PR સાથે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું.જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ધોરાજી પંથકના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શિક્ષણક્ષેત્રે પોતાની તેજસ્વીતા સાબિત કરી છે.ધોરાજીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતી અને સામાન્ય પરિવારમાંથી આવતી જીલ નૈમિષભાઈ સજીયા નામની વિદ્યાર્થિનીએ 99.99 પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવીને સમગ્ર રાજ્યમાં ધોરાજી અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે.

જીલ સજીયાના પરિણામ પત્રક પર નજર કરીએ તો, તેણીએ બોર્ડની પરીક્ષામાં 600માંથી 594 ગુણ પ્રાપ્ત કર્યા છે. તેણીની આ જ્વલંત સફળતામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેણે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં 100 માંથી 100 પૂરા ગુણ મેળવી અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીમાં 99, ગણિતમાં 98 અને અંગ્રેજીમાં 97 ગુણ સાથે તમામ વિષયોમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જીલના પિતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ (મેલ નર્સ) તરીકે ફરજ બજાવી દર્દીઓની નિરંતર સેવા કરે છે..સાધારણ પરિવારમાંથી આવતી આ દીકરીએ સાબિત કરી દીધું છે કે, સફળતા કોઈ ભૌતિક સુવિધાઓની મોહતાજ નથી હોતી..પરંતુ સખત પરિશ્રમ,નિયમિત વાંચન અને દ્રઢ મનોબળ થકી કોઈપણ મંઝિલ સર કરી શકાય છે…પરિણામ જાહેર થતાં જ સજીયા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દીકરીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.

પોતાની આ ઝળહળતી સફળતા અંગે વાત કરતા તેજસ્વી વિદ્યાર્થિની જીલ સજીયાએ જણાવ્યું હતું કે, “અપેક્ષા કરતા પણ વધુ સારું પરિણામ મળ્યું છે, જેનો મને ખુબ આનંદ છે. મારી આ સફળતા પાછળ મારા માતા-પિતાનો સતત સહયોગ અને શાળાના શિક્ષકોનું શ્રેષ્ઠ માર્ગદર્શન રહેલું છે.” આગામી દિવસોમાં જીલ વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) માં અભ્યાસ કરી પોતાની રુચિ મુજબના ક્ષેત્રમાં આગળ વધી પોતાના માતા-પિતાનું સપનું સાકાર કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE