ભાજપના બળવાખોર ઉમેદવાર હેમરાજસિંહ (શિવ બાપુ) મહારાઉલની જીત થતા જિલ્લામાં રાજકીય હલચલ

બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડનાર હેમરાજસિંહ મહારાઉલે ભાજપના સત્તાવાર ઉમેદવારને 354 મતોથી હરાવતાં સત્તારૂઢ પક્ષ માટે આ પરિણામ ચોંકાવનારું સાબિત થયું છે.માહિતી મુજબ, ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈ હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક સ્તરે મજબૂત પકડ અને વ્યક્તિગત પ્રભાવના કારણે તેઓએ ચૂંટણીમાં પ્રભાવશાળી જીત મેળવી છે.

તેમની જીત બાદ છોટાઉદેપુર જિલ્લામાં ભાજપાની અંદર ચાલી રહેલા અસંતોષ ને લઇ હેમરાજસિંહ મહારાઉલે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં ટિકિટ ફાળવણી પારદર્શક રીતે કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જ્યારે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે. તેમણે ભાજપા હવે “કોંગ્રેસ યુક્ત” બની ગઈ હોવાનો પણ તીખો પ્રહાર કર્યો છે.

આ વિવાદ વચ્ચે ભાજપે કડક વલણ અપનાવી હેમરાજસિંહ (શિવ) મહારાઉલ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. જિલ્લા ભાજપા દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને પ્રાથમિક સભ્યપદ સહિત પક્ષના તમામ હોદ્દાઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરી ચૂંટણી લડવી એ ગંભીર શિસ્તભંગ ગણાતાં આ પગલું ભરાયું હોવાનું જિલ્લા ભાજપા દ્વારા જણાવાયું હતું.

જો કે, હેમરાજસિંહ મહારાઉલ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. તેઓ હાલમાં ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે તેમજ સંખેડા APMCના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. તેમની રાજકીય પકડનો અંદાજ એથી પણ આવે છે કે તેમનાં પત્ની શીતલકુંવરબા મહારાઉલ બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.

બોડેલી તાલુકાની પાણેજ તાલુકા પંચાયત બેઠક પર ભારે રસાકસી અને પ્રતિષ્ઠાનો જંગ જોવા મળ્યો હતો, પરંતુ અંતે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હેમરાજસિંહ મહારાઉલે જીત મેળવી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE