બોડેલીમાં કોમી એકતાનો સંગમ: હજરત ગૈબનશા દાદાનો બે દિવસીય ભવ્ય ઉર્સ મુબારક યોજાશે

બોડેલી પંથકમાં વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક ગણાતા હજરત ગૈબનશા દાદા (ર.અ.)નો વાર્ષિક ઉર્સ મુબારક આગામી મે માસની શરૂઆતમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ બે દિવસીય ધાર્મિક મહોત્સવને લઈને બોડેલીના હિન્દુ-મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સંદલ શરીફ અને જુલુસનું આયોજન: ઉર્સના પ્રથમ દિવસે, એટલે કે તા. ૧-૫-૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. આ જુલુસ મના બાપુના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરશે. વાજતે-ગાજતે નીકળનારા આ જુલુસનું સમાપન દાદાના આસ્થાને થશે, જ્યાં પરંપરાગત વિધિ વિધાન સાથે સંદલ ચઢાવવામાં આવશે.

કવ્વાલીનો શાનદાર કાર્યક્રમ: ઉત્સવના બીજા દિવસે, તા. ૨-૫-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ભવ્ય કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ કવ્વાલ ફરદીન અલી વારસી અને ‘ઓઢું ચુનરિયા ખ્વાજા તેરે નામ કી’ ફેમ, ઔરંગાબાદના મશહૂર ફનકારા ઈરમ ચિશ્તી સુફિયાણી કલામો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે…આ કાર્યક્રમમાં કલા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે.

ભાવભર્યું નિમંત્રણ: દરગાહ કમિટી અને ખાદીમ ગણ દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. કમિટી દ્વારા તમામ ધર્મના લોકોને આ પવિત્ર પ્રસંગમાં સહભાગી થવા અને કોમી એકતાના દર્શન કરાવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE