‘દાંત તૂટ્યો, ચહેરો સૂજી ગયો’: સ્પ્લિટ્સવિલા 16ની પ્રીત સિંહ પર મુંબઈના ક્લબમાં હુમલો; ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી પીડા

એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન 16 (Splitsvilla 16) ફેમ પ્રીત સિંહે તાજેતરમાં પોતાની સાથે થયેલી એક ભયાનક ઘટનાનો ખુલાસો કર્યો છે. પ્રીતે આક્ષેપ કર્યો છે કે, મુંબઈના એક નાઈટ ક્લબમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલામાં તેનો એક દાંત તૂટી ગયો છે અને ચહેરા પર સોજાના નિશાન જોવા મળી રહ્યા છે.

પ્રીત સિંહની દર્દભરી પોસ્ટ

પ્રીતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો.જેમાં તેની આંખો સૂજેલી અને ચહેરા પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, “મેં હંમેશા સાંભળ્યું હતું કે મુંબઈ છોકરીઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું સ્વાગત આ રીતે થશે.આ લખતી વખતે પણ હું ધ્રૂજી રહી છું. હું હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે મારી સાથે આખરે આવું કેમ થયું.”

શું હતી સમગ્ર ઘટના?

પ્રીત સિંહે વિગતે જણાવ્યું કે, તે તેની એક બહેનપણી સાથે ક્લબમાં શાંતિથી બેઠી હતી. ત્યારે અચાનક એક અજાણી છોકરી ત્યાં આવી અને જોરજોરથી બૂમો પાડવા લાગી. તે છોકરી પ્રશ્ન કરી રહી હતી કે પ્રીત અને તેની મિત્રને ક્લબની અંદર આવવાની મંજૂરી કેવી રીતે મળી. વાત માત્ર બોલાચાલીથી શરૂ થઈ હતી. પરંતુ જોતજોતામાં તે હિંસક બની ગઈ હતી.

દાંત તૂટ્યો અને ચહેરો સૂજી ગયો

પ્રીતે આગળ જણાવ્યું કે, “તે છોકરીનો એક મિત્ર વચ્ચે આવ્યો અને તેણે અમારી સાથે મારપીટ શરૂ કરી.તેણે મને એટલી જોરથી મારી કે મારો એક દાંત તૂટી ગયો અને ચહેરો સૂજી ગયો.જ્યારે આસપાસના લોકોએ વચ્ચે આવીને અમને છોડાવ્યા, ત્યારે આ બધું અટક્યું.” પ્રીતે વધુમાં ખુલાસો કર્યો કે તે હુમલો કરનાર છોકરી એક કથિત ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ છે.

શોમાંથી બહાર થઈ ચુકી છે પ્રીત

ઉલ્લેખનીય છે કે, પ્રીત સિંહ ‘સ્પ્લિટ્સવિલા 16’ માં વિશુ બજાજ સાથે જોડીમાં હતી. જોકે, ઓરેકલ (Oracle) દ્વારા તેમને ‘આઈડિયલ મેચ’ જાહેર ન કરવામાં આવતા તે શોમાંથી એલિમિનેટ થઈ ગઈ હતી. આ શોને સની લિયોની અને કરણ કુન્દ્રા હોસ્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE