પશ્ચિમ બંગાળ: ભાંગરમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાના ઘરેથી 100 દેશી બોમ્બ મળી આવતા ખળભળાટ

પશ્ચિમ બંગાળના ભાંગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક કાર્યકર્તાના ઘરેથી 100 જેટલા દેશી બોમ્બ મળી આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને હડકંપ મચી ગયો છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 મે 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

તલાશી અભિયાન અને જપ્તી

એક અધિકારીના જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગરમાં પોલીસે રવિવારે રફીકુલ ઈસ્લામ નામના વ્યક્તિના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. રફીકુલ કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનું કહેવાય છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા અને દેખરેખ વધારી દેવામાં આવી છે.

ચૂંટણી પંચની કડક કાર્યવાહી

ચૂંટણી પંચના એક અધિકારીએ પીટીઆઈ (PTI) ને જણાવ્યું હતું કે:

“કોલકાતા પોલીસ કમિશનર, તમામ DCP, SP અને ઓસી (OC) તેમજ આઈસી (IC) રેન્ક સુધીના અધિકારીઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે, જો તેમના અધિકાર ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ પાસે આવા વિસ્ફોટકો મળી આવશે અથવા ધમકાવવાની રણનીતિનો ઉપયોગ થશે, તો સંબંધિત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં મોનિટરિંગ વધારવામાં આવશે જેથી મતદારો કોઈપણ ડર વગર પોતાનો મત આપી શકે.

NIA કરશે તપાસ

મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ પોલીસને બોમ્બ બનાવનારાઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. બોમ્બ બનાવવા સાથે જોડાયેલા તમામ કેસોની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા કરવામાં આવશે.પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જનતા સત્તાની ચાવી કોને સોંપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE