વીજ તારની ચોરી કરતી ‘હાઈવોલ્ટેજ’ ગેંગ જેલહવાલે: રાજકોટ ગ્રામ્ય પોલીસે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને પકડ્યા.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર અને જામકંડોરણા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જી.ઈ.બી. (GEB) ની ચાલુ વીજલાઇનના વાયરો ચોરી કરતી આંતરજિલ્લા ટોળકીનો રાજકોટ ગ્રામ્ય LCB એ પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે કાગવડ પાટિયા પાસે વોચ ગોઠવી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરીની મોડસ ઓપરેન્ડી: આ ટોળકી અત્યંત જોખમી રીતે રાત્રિના સમયે ચાલુ વીજપ્રવાહને અર્થિંગ દ્વારા બંધ કરી દેતી હતી. ત્યારબાદ કટર વડે થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરો કાપી લેતી હતી. ચોરીના વાયરો બોલેરો પીકઅપ (GJ-04-AW-9520) માં ભરી, કિયા કાર (GJ-03-LM-0051) દ્વારા પાયલોટીંગ કરીને બાબરા ખાતે વેચવા લઈ જવામાં આવતા હતા.

ઝડપાયેલા આરોપીઓ: પોલીસે (1) પ્રતાપસિંહ પુનમસિંહ ચૌહાણ, (2) ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત, (3) ભગવાનસિંહ ગોપાલસિંહ ચૌહાણ, (4) શોભાગસિંહ નવલસિંહ રાવત (તમામ મૂળ રાજસ્થાનના અને હાલ જામકંડોરણા રહેતા) તથા ચોરીનો માલ રાખવામાં મદદ કરનાર (5) સાજીદભાઇ લતીકભાઇ પારેખ અને (6) નાશીર ઉર્ફે ટીનો ઓસમાણભાઇ સેતા (બંને રહે. અમરેલી) ની ધરપકડ કરી છે.

કુલ ₹15.27 લાખનો મુદ્દામાલ જપ્ત: LCB એ આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • રોકડ રકમ: ₹1,14,000/-

  • વાહનો: કિયા કાર (₹7 લાખ), બોલેરો પીકઅપ (₹5 લાખ), મોટરસાયકલ (₹20 હજાર).

  • વાયર: 320 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર (₹1,63,200/-).

  • અન્ય: 5 મોબાઈલ ફોન અને વાયર કાપવાના કટર.

ઉકેલાયેલા ગુના: તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે 10 એપ્રિલ 2025ના રોજ રામપર ગામ પાસે, 15 એપ્રિલના રોજ આંચવડકી-ફરીયાસણ સીમમાં અને તાજેતરમાં ચોરાળા ગામની સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલા પરથી વાયર ચોર્યા હતા.

પોલીસ ટીમ: આ સફળ કામગીરી પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ કે.એમ. ચાવડા તથા LCB ના અન્ય હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મિત્રો દ્વારા પાર પાડવામાં આવી હતી. હાલ પોલીસ ફરાર ત્રણ આરોપીઓ સરફરાજભાઇ, મુસ્તાકભાઇ અને ગોપાલસિંહને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE