લોકશાહીનો ‘સુપર ગુરુવાર’: પશ્ચિમ બંગાળમાં તૂટ્યા રેકોર્ડ, તમિલનાડુમાં પણ બમ્પર મતદાન; જાણો ક્યાં કેટલા ટકા વોટિંગ થયું.

ચૂંટણીના આ ‘સુપર ગુરુવાર’ નિમિત્તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર ઐતિહાસિક 91.40% મતદાન નોંધાયું છે.જે રાજ્યના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે.જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર પણ 84.35% જેટલું બમ્પર મતદાન થયું છે.બંગાળમાં આ તબક્કે કુલ 1478 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.જ્યાં મુખ્ય મુકાબલો ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે છે. બીજી તરફ, તમિલનાડુમાં સત્તાધારી DMK ગઠબંધન અને વિપક્ષ AIADMK-ભાજપ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભારે રસાકસી અને મતદારોના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે સંપન્ન થયેલી આ ચૂંટણીનું પરિણામ હવે આગામી 4 મે ના રોજ જાહેર થશે.

દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુચેરી અને કેરળમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ છે.આ અંતર્ગત ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા અને તમિલનાડુમાં સિંગલ ફેઝ માટે મતદાન થયું હતું.લોકશાહી માટે આજનો દિવસ ‘સુપર ગુરુવાર’ સાબિત થયો, કારણ કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ મતદાનનો નવો ઈતિહાસ રચ્યો છે. બંને રાજ્યોમાં સવારે સાત વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું અને મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ક્યાં કેટલા ટકા મતદાન થયું?

સામે આવેલી તસવીરો અને આંકડાઓ મુજબ, મતદારોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના આંકડા અનુસાર:

  • પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કાની 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 91.40% મતદાન નોંધાયું છે. જે રાજ્યના ઇતિહાસનો સૌથી વધુ આંકડો છે.

  • તમિલનાડુ: તમામ 234 બેઠકો પર સિંગલ ફેઝમાં સૌથી વધુ 84.35% વોટ પડ્યા છે.


1478 ઉમેદવારોના ભાગ્યનો થયો ફેંસલો

પશ્ચિમ બંગાળમાં 16 જિલ્લાની આ 152 વિધાનસભા બેઠકો પર 1478 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થયો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. સવારથી જ મતદાન મથકો પર મહિલાઓની ભારે ભીડ ઉમટી હતી, જોકે કેટલાક વિસ્તારોમાં તણાવના અહેવાલો પણ મળ્યા હતા. મુર્શિદાબાદમાં TMC કાર્યકરો અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટી (AUDFP) ના સ્થાપક હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. સિલીગુડી અને કુમારગંજમાં પણ TMC-ભાજપ સમર્થકો વચ્ચે છૂટાછવાયા વિવાદોના સમાચાર મળ્યા હતા.

સુવેન્દુ અધિકારી પર હુમલો!

ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કુમારગંજમાં અનેક બૂથો પરથી તેમના પોલિંગ એજન્ટોને હટાવવાનો અને પોતાના પર હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય દળોની તૈનાતી છતાં ચૂંટણી પંચે આ ઘટનાઓ પર નજર રાખી હતી.બીજી તરફ તમિલનાડુમાં મતદાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યું હતું.તમામ 234 બેઠકો માટે એક જ તબક્કામાં થયેલા મતદાનમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ની આગેવાની હેઠળના ‘ઈન્ડિયા’ ગઠબંધન અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)-ભાજપના ‘NDA’ ગઠબંધન વચ્ચે કડી ટક્કરની આશા છે.


ક્યારે આવશે પરિણામ?

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, વિરોધ પક્ષના નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામી સહિત અનેક અગ્રણી હસ્તીઓએ મતદાન કર્યું હતું. ચેન્નાઈ, તિરુપુર જેવા જિલ્લાઓમાં પ્રારંભિક આંકડાઓમાં 82 ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચૂંટણીઓમાં મહિલાઓનો ઉત્સાહ મુખ્ય આકર્ષણ રહ્યો હતો, જે કલ્યાણકારી યોજનાઓ, વિકાસ અને સ્થાનિક મુદ્દાઓથી પ્રેરિત દેખાતો હતો. 4 મેના રોજ થનારી મતગણતરી લોકશાહીની આગામી દિશા નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE