કચ્છ: લોડાઈ ગામમાં પાણીપુરીનો સ્વાદ પડ્યો ભારે, બાળકો-મહિલાઓ સહિત 50થી વધુને ફૂડ પોઈઝનિંગ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સાંજના સમયે લારી પર પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી.

યુદ્ધના ધોરણે સારવાર શરૂ

ઘટનાની ગંભીરતાને જોતા લોડાઈ ગામમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અસરગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે..તમામ 50થી વધુ દર્દીઓને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે..હોસ્પિટલના તબીબો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે.હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર હરકતમાં: ખાણીપીણીની લારીઓ બંધ કરાવાઈ

આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે લોડાઈ ગામમાં ખાણીપીણીની તમામ દુકાનો અને લારીઓ હાલ પૂરતી બંધ કરાવી દેવામાં આવી છે.

નમૂના લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત લારી પરથી પાણીપુરીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાએ જાહેર આરોગ્ય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE