પાકિસ્તાનમાં લાદવામાં આવ્યું ‘સ્માર્ટ લોકડાઉન’: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે શરીફ સરકારનો મોટો નિર્ણય, રાત્રે 8 વાગ્યાથી બજારો બંધ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને તેની અસર હવે પડોશી દેશ પાકિસ્તાન પર પણ ગંભીર રીતે જોવા મળી રહી છે. આર્થિક સંકટ અને ઉર્જાની અછતને પહોંચી વળવા માટે વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારે દેશભરમાં ‘સ્માર્ટ લોકડાઉન’ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ વીજળી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની બચત કરવા માટે બજારોના સમયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો….

મિડલ ઈસ્ટના જંગની આડઅસર: સાબુ, તેલ અને બિસ્કિટના ભાવમાં ભડકો! જનતાના ખિસ્સા પર મોંઘવારીનો ડબલ એટેક

બજારો અને શોપિંગ મોલ માટે નવા નિયમો

વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પંજાબ, બલુચિસ્તાન, ઈસ્લામાબાદ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને આઝાદ જમ્મુ-કાશ્મીરમાં તમામ બજારો, દુકાનો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર પણ આ જ નિયમ લાગુ પડશે.

રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ

સરકારે ખાણી-પીણીના સ્થળો અને સામાજિક પ્રસંગો માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરી છે:

  • બેકરી, રેસ્ટોરન્ટ અને હોટલ રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવા પડશે.

  • મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અને લગ્ન પ્રસંગના સ્થળો પણ રાત્રે 10 વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં.

  • ખાનગી મિલકતો અથવા ઘરોમાં પણ રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારોહ યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  • જોકે, મેડિકલ સ્ટોર અને દવાની દુકાનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પરિવહનને લઈને મહત્વની જાહેરાત

વડાપ્રધાને જાહેરાત કરી છે કે, ગિલગિત અને મુઝફ્ફરાબાદ શહેરોમાં આંતર-શહેર જાહેર પરિવહન સેવા એક મહિના માટે મફત રહેશે. આ સેવાનો સંપૂર્ણ ખર્ચ ફેડરલ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.આ ઉપરાંત પેટ્રોલિયમ સબસિડીને ડિજિટલ વોલેટ દ્વારા સીધી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે.

રાજ્યો સાથે પરામર્શ જારી

સિંધ પ્રાંતમાં આ નિયમો લાગુ કરવા માટે હાલમાં મંત્રણા ચાલી રહી છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં સિંધ સરકાર પણ આ રાષ્ટ્રીય હિતના નિર્ણયમાં જોડાશે.ખૈબર પખ્તુનખ્વાના ડિવિઝનલ હેડક્વાર્ટરમાં બજારોને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની વિશેષ છૂટ આપવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE