પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર: ગામડાં અને શહેરોમાં 25 કરોડ લોકો ભૂખમરો-કંગાળીનો સામનો કરી રહ્યા છે.. વાંચો SPDCનો રિપોર્ટ

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગરીબી દિન-પ્રતિદિન વધી રહી છે. એક તરફ જનતા ગરીબી અને ભૂખમરાનો શિકાર બની રહી છે..તો બીજી તરફ શહબાઝ શરીફ સરકાર કંગાળ થઈ ચુકી છે.વર્ષ 2025માં પાકિસ્તાને IMF પાસેથી લાખો કરોડનું દેવું લીધું હોવા છતાં દેશમાં ગરીબીનો દર વધીને 43.5 ટકા થઈ ગયો છે..સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (SPDC) ના રિપોર્ટમાં ગરીબીના દરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.

શહેરો અને ગામડાઓમાં ગરીબીનો દર કેટલો?

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને 43.5 ટકા થયો છે. જે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) અને પ્લાનિંગ કમિશન દ્વારા અંદાજિત 28.9 ટકા ગરીબી દર કરતા 14.6 ટકા વધુ છે. ગરીબોની સંખ્યામાં શહેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરોમાં ગરીબીનો દર 32.1 ટકાથી વધીને 42.1 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર 39.3 ટકાથી વધીને 44.3 ટકા પર પહોંચ્યો છે. રાષ્ટ્રીય ગરીબી દર જે 2018-19માં 36.6 ટકા હતો. તે વર્ષ 2024-25માં વધીને 43.5 ટકા થઈ ગયો છે. જેનો અર્થ છે કે, હવે લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

બંને સંસ્થાઓની તપાસ પદ્ધતિ અલગ

SPDC મુજબ, PBS એ મૂળભૂત જરૂરિયાતોના ખર્ચ અને ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના આધારે ગરીબી દરની ગણતરી કરી હતી.પરંતુ આ પદ્ધતિમાં ઘણીવાર ઓછી આવક ધરાવતા પરિવારોના વાસ્તવિક ખર્ચને ઓછો આંકવામાં આવે છે.તેમાં આરોગ્ય અને પીવાના શુદ્ધ પાણી જેવા આવશ્યક ખર્ચાઓની અવગણના કરવામાં આવે છે.બીજી તરફ, SPDC ‘ફૂડ એનર્જી ઇનટેક’ પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં ઘરગથ્થુ ખર્ચ અને લઘુત્તમ કેલરીને આધાર બનાવવામાં આવે છે.

હાઉસહોલ્ડ ઇન્ટિગ્રેટેડ ઇકોનોમિક સર્વે (HIES) 2024-25 ના આંકડાઓના આધારે, રિપોર્ટમાં વધતી જતી આવકની અસમાનતાને ગરીબી દર વધવા માટે જવાબદાર ગણાવવામાં આવી છે. રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે, શહેરી ગરીબી દૂર કરવી અત્યંત જરૂરી છે. અને તેના માટે આવશ્યક સેવાઓ સુધી લોકોની પહોંચ સુધારવાની તેમજ આવકની અસમાનતા ઘટાડવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE