ઘરેલું શેરબજારમાં ઉછાળો: ખુલતાની સાથે જ સેન્સેક્સ 1040 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 22,800ને પાર

શેરબજારમાં શરૂઆતના સમયે મંગળવારે ધમાકેદાર તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ સવારે 9:15 વાગ્યે ખુલતાની સાથે જ એક સમયે 1040.45 પોઈન્ટના જબરદસ્ત ઉછાળા સાથે 73,736.84 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ જ સમયે NSE નો નિફ્ટી પણ 350.60 પોઈન્ટના વધારા સાથે 22,863.25 ના સ્તર પર કારોબાર કરતો જણાયો હતો.

આજે શેરબજારમાં ચોતરફ તેજી જોવા મળી રહી છે અને લગભગ તમામ સેક્ટર લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી પર મુખ્ય વધારો નોંધાવનારા સ્ટોક્સમાં એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ટરગ્લોબ એવિએશન અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સામેલ હતા.

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો, તમામ ઈન્ડેક્સ વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઓટો, બેન્કિંગ, એનર્જી, ફાર્મા, PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં અંદાજે 1 થી 2 ટકા સુધીની તેજી નોંધાઈ છે. બીજી તરફ, વ્યાપક બજારમાં પણ મજબૂત ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 2-2 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે બજારમાં મજબૂત સેન્ટિમેન્ટનો સંકેત છે.

મંગળવારે ઘરેલું માર્કેટ એક્સપર્ટનો ?

શેર બજારના નિષ્ણાંતોએ કહ્યું કે, હાલમાં રાજકીય વાતાવરણ શેરબજાર જેટલું જ અસ્થિર દેખાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાને 5 દિવસ માટે રોકવાના સંકેત આપ્યા હતા અને ઈરાની નેતૃત્વ સાથે “સકારાત્મક” વાતચીત વિશે વાત કરી હતી. જોકે, તરત જ ઈરાની વિદેશ મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો હતો. બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે કેટલાક દેશોની મધ્યસ્થતાથી રાજદ્વારી વાતચીત શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ સકારાત્મક સંકેતો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 10% ઘટીને 100 ડોલરની આસપાસ આવી ગઈ છે. બજાર એવું માનીને ચાલી રહ્યું છે કે, યુદ્ધનો અંત આવી શકે છે. જેની અસર ઓગસ્ટના અમેરિકન ઓઈલ ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. જે લગભગ 80 ડોલર પર ટ્રેડ કરી રહ્યા છે. જોકે, નજીકના ભવિષ્યમાં યુદ્ધ સંબંધિત સમાચારો અને ઘટનાક્રમોને કારણે બજારમાં ભારે ઉતાર-ચઢાવ રહી શકે છે.

હાલમાં બજાર પર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની સતત વેચવાલીનું મોટું દબાણ છે. બજારમાં ઘટાડો હોવા છતાં FII ની વેચવાલી ચાલુ છે. જેનું મુખ્ય કારણ રૂપિયામાં સતત નબળાઈ છે. તેથી, બજારમાં સ્થિરતા આવવા માટે સૌથી પહેલા રૂપિયાનું સ્થિર થવું જરૂરી છે. સેક્ટોરલ સ્તરે જોઈએ તો, IT અને ફાર્મા સેક્ટર સાપેક્ષ રીતે મજબૂત રહી શકે છે. કારણ કે, રૂપિયામાં ઘટાડો થવાથી આ ક્ષેત્રોને ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE