દિવ્યાંકા ત્રિપાઠીના ઘરે ગુંજશે કિલકારી: લગ્નના 10 વર્ષ બાદ અભિનેત્રીએ પ્રેગ્નન્સીના સમાચાર પર મારી મહોર!

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના ચાહકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ એક્ટ્રેસ લગ્નના 10 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ, દિવ્યાંકાએ પોતે સોશિયલ મીડિયા અને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

પ્રેગ્નન્સી પર દિવ્યાંકાનો ખુલાસો

એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ જણાવ્યું કે, “વિવેક અને હું અત્યારે જ બાળક ઈચ્છતા હતા. અમે પ્રયત્ન કર્યો અને રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા. અમે આ સમાચારથી ખૂબ જ ખુશ છીએ અને પોતાને ભાગ્યશાળી માનીએ છીએ.” તેણે વધુમાં ઉમેર્યું કે સૌથી પહેલા તેણે આ ખુશખબર પતિ વિવેક દહિયાને આપી હતી અને ત્યારબાદ બંને પરિવારોને ફોન કરીને જાણ કરી હતી.

ક્યારે આવશે નવો મહેમાન?

ડ્યૂ ડેટ વિશે વાત કરતા દિવ્યાંકાએ જણાવ્યું કે, તેમનું બાળક જૂનના મધ્યમાં આ દુનિયામાં આવશે. રસપ્રદ વાત એ છે કે દિવ્યાંકાએ આ વાત 6 મહિના સુધી છુપાવી રાખી હતી. તેણે કહ્યું, “મેં યોગ્ય સમયની રાહ જોઈ હતી. હું અત્યારે બહાર ઓછી જાઉં છું. તેથી આ સમાચાર જાહેર થયા નહોતા.” દિવ્યાંકાએ કન્ફર્મ કર્યું છે કે તેના બાળકનો જન્મ મુંબઈમાં જ થશે.

જાહેરમાં કઈ રીતે ફેલાયા સમાચાર?

સમાચાર કઈ રીતે લીક થયા તે અંગે એક્ટ્રેસે જણાવ્યું કે, વિવેક દહિયા એક ઈવેન્ટમાં ગયો હતો જ્યાં લોકોએ પૂછ્યું હતું કે દિવ્યાંકા કેમ ક્યાંય દેખાતી નથી? બસ ત્યારથી જ લોકોએ અંદાજો લગાવવાનું શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના એક દાયકા બાદ આ કપલ તેમના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યું છે.જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને સતત અભિનંદન પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE