કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારત પધાર્યા: મુંબઈથી શરૂ થયો 4 દિવસીય હાઈ-પ્રોફાઈલ પ્રવાસ!

ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પોતાના પ્રતિનિધિમંડળ સાથે 4 દિવસની ભારત મુલાકાતે મુંબઈ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચેના તણાવને દૂર કરી મજબૂત ભાગીદારીની દિશામાં મોટું કદમ માનવામાં આવે છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની મુંબઈના આઇકોનિક ‘તાજ મહેલ પેલેસ’ પહોંચ્યા છે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલનારી આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે સ્થગિત થયેલા રાજદ્વારી સંબંધોને ફરી બેઠા કરવાનો છે. ખાસ વાત એ છે કે,, કાર્નીએ પોતાની સફરની શરૂઆત ભારતની આર્થિક રાજધાની મુંબઈથી કરી છે.

મુંબઈમાં પ્રથમ બે દિવસ વડાપ્રધાન કાર્ની દેશના ટોચના CEO, નાણાકીય નિષ્ણાતો અને કેનેડિયન પેન્શન ફંડના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરશે. આ બેઠકોનો મુખ્ય એજન્ડા આર્થિક તાલમેલ વધારવાનો અને રોકાણ માટે મજબૂત વ્યાપારી વાતાવરણ તૈયાર કરવાનો છે.

આ પ્રવાસનું સૌથી મહત્વનું પાસું 2 માર્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં યોજાનારી પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા છે.વડાપ્રધાન મોદી અને માર્ક કાર્ની વચ્ચેની આ મુલાકાત 2025માં જોહાન્સબર્ગમાં થયેલી વાતચીતનો આગળનો ભાગ છે..બંને દેશો હવે જૂના વિવાદો ભૂલીને ઉર્જા અને સંશોધન જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂકી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, અગાઉની ટ્રુડો સરકાર દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોમાં ‘તીવ્ર ઘટાડો’ આવ્યો હતો. જોકે, વર્તમાન કાર્ની વહીવટીતંત્રે મોટો વળાંક લીધો છે.કેનેડાના વરિષ્ઠ અધિકારીઓએ હવે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારત વિરુદ્ધના જૂના આરોપોને હવે માન્યતા આપતા નથી. ઓટાવાના વલણમાં આવેલો આ મૌલિક ફેરફાર બંને દેશોના ભવિષ્ય માટે શુભ સંકેત છે.

માર્ક કાર્નીની આ મુલાકાત માત્ર રાજદ્વારી નથી.. પણ આર્થિક દ્રષ્ટિએ પણ ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે 2 માર્ચે દિલ્હીમાં થનારી પીએમ મોદી સાથેની બેઠકમાંથી કેવા મોટા નિર્ણયો બહાર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE