દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા પછી હવે કલ્યાણપુર તાલુકામાં ત્રાટકશે દાદાનું બુલડોઝર.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે.
નોટિસ ફટકારવામાં આવી
ત્યારે મળતી માહિતી મુજબ હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જેમાં મોટા ભાગના મંદિરોનો સમાવેશ થાય છે.
સમગ્ર બાબતે કલ્યાણપુરના નાયબ મામલતદાર પીયૂષ બોદરે જણાવ્યું હતું કે હાલમાં મામલતદાર કચેરી દ્વારા 106 દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવેલ છે. જે પૈકી પ્રથમ નોટિસ 13-9-2024 થી આપવામાં આવી હતી. બીજી નોટિસ 20-2-2025 ના આપવામાં આવેલ છે. અને આ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ચર્ચા થયા મુજબ 106 જેટલા ધાર્મિક દબાણ સામે આવ્યા હતા. અને આ સિવાયના રહી ગયેલ દબાણની શોધ કરવામાં આવી રહી છે.