મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં આજથી અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો પ્રારંભ થશે.
અમદાવાદમાં તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025′ યોજાશે. એમાંય 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે, ત્યારબાદ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
417 જેટલા પતંગબાજો ભાગ લેશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે.
વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત થશે
ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.
આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવશે. આ મહોત્સવનું ઉદ્ધાટન થશે ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા ઉપસ્થિત રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે અને 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરવામાં આવશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જન ઉત્સવ તરીકે ઉજવવવાની શરૂઆત કરી હતી. હવે આ પરંપરાને આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ, સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ, દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે અને પ્રવાસન સાથે નવો ઉત્સાહ અને નવી ઉમંગ ઉજાગર કરવામાં આવે છે.
આવા ઉત્સવોને લીધે જ ગુજરાતની સંસ્કૃતિ અને પ્રવાસન વિરાસત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે. એટલું જ નહી, સૌના સાથ- સૌના વિકાસ દ્વારા જ્ઞાતિ-જાતિ-પ્રાંતથી ઉપર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા આવા ઉત્સવોના માધ્યમથી વધુ સુદ્રઢ બની જાય છે. ગુજરાત રાજ્ય તેના વિવિધ પ્રકારના મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માટે દેશભરમાં તેમજ વૈશ્વિક સ્તરે પણ પ્રસિદ્ધ છે. ગુજરાતના મેળાઓ અને ઉત્સવો અહીંની સ્થાનિક લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, જેમાં સમાજનો દરેક વર્ગ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. તેથી આવા મેળા અને ઉત્સવોમાં પ્રવાસન સ્થળોની પ્રસિદ્ધિ કરવાનો ખૂબ જ સારો અવસર મળી જાય છે.