ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તાજતેરમાં હોસ્પિટલના માર્કેટિંગ અધિકારીઓને લઈને ખુલાસો સામે આવ્યો હતો. જેમાં વધુમાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં લાવવાના પ્રયાસમાં માર્કેટિંગ ટીમને આર્થિક ફાયદો મળતો હોવાનું સામે આવ્યું છે.
તપાસ કરતા મળતી માહિતી મુજબ જુદા-જુદા ગામડાઓમાં કેમ્પ કરી, ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરનારી ખ્યાતિ હોસ્પિટલના દરરોજ નવા કારનામા સામે આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલનો વધુ એક ધંધાદારી અભિગમ સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના માર્કેટિંગ અધિકારીઓ પણ દર્દીઓ લાવવા સામે આર્થિક ફાયદો મેળવતા હોવાનું ખુલ્યું છે.
ડરાવીને ઓપરેશન માટે હોસ્પિટલ લવાતા
મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીઓને ડરાવીને ઓપરેશન માટે હોસ્પિટલ લાવવામાં આવતા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જઈને નિશુલ્ક કેમ્પ કરીને વધારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાતા હતા. જેના થકી આર્થિક ફાયદો મેળવવા વધુમાં વધુ દર્દીઓ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
કોરોનામાં દોઢ કરોડનો નફો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મુદ્દે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં હોસ્પિટલે કોરોના સમયમાં કરોડો રૂપિયાનો નફો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીએ કરોડોનો નફો રળ્યો હતો. 2020ના વર્ષમાં દરેકના ભાગે દોઢ કરોડ નફો આવ્યો હતો.