સુરત ભાજપ નેતાના આપઘાત મોતમાં વિવિધ ખુલાસાઓ સામે આવ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ અલથાણ પોલીસ દ્વારા મૃતકના પતિ અને પુત્રોને પૂછપરછ કરવામાં આવી હતી.
સુરતમાં ભાજપ મહિલા મોરચાના નેતાના અપમૃત્યુ કેસમાં ખુલાસો સામે આવ્યો છે. જેમાં દીપિકા પટેલે આપઘાત કર્યાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું. જોકે દીપિકા પટેલે આપઘાત કેમ કર્યો તેનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ પરિવારજનોનો દાવો છે કે દીપિકા માનસિક રીતે મજબૂત હતી, ત્યારે દીપિકાએ કેમ આપઘાત કર્યો તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મજબૂર કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
સૂત્રો પાસથી મળતી માહિતી મુજબ દીપિકાને બ્લેકમેઈલ કે મજબૂર કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે દીપિકાના કોલ ડિટેઈલનો રેકોર્ડ તપાસવાની કામગીરી હાથ ધરી છે. જેમાં વિવિધ વિગતો સામે આવી હતી. જેમાં દીપિકા પટેલના દીકરાએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ ચિરાગ સોલંકીએ ઘરે પહોંચીને દીપિકાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
ચિરાગે ઘટના સ્થળે જઇને જોતા દીપિકાએ દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે ચિરાગ અને દીપિકાના પરિવારને ઘર જેવા સંબંધ હતા. અને દીપિકા ચિરાગને રાખડી બાંધતી હતી. બીજી તરફ અલથાણ પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી. જે બાદ મૃતકના પતિ અને પુત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.