1 ડિસેમ્બરથી ઘણા નવા નિયમો લાગુ પડી રહ્યાં છે જેનાથી બધા પર નાની મોટી અસર પડશે.
આવતીકાલથી એટલે કે રવિવારથી આપણે નવા મહિનામાં પ્રવેશ કરીશું. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા નવા ફેરફારો થશે, જેની અસર તમારા ખિસ્સા પર પણ પડશે. 1 ડિસેમ્બરે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેનાથી દેશભરના પરિવારોના રોજિંદા જીવન અને નાણાંકીય બાબતો પર અસર પડશે. આગામી ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.
એલપીજી કિંમતો
ઓઈલ માર્કેટિંગ કંપની દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે. આની અસર સ્થાનિક દરો પર પડી શકે છે. 1 ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. નવેમ્બરની શરૂઆતમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો.
આધાર કાર્ડ ફ્રી અપડેટ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર વિગતોના ફ્રી અપડેટ માટે સમયમર્યાદા લંબાવી છે. આધાર કાર્ડ ધારકો હવે 14 ડિસેમ્બર સુધી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કોઈપણ ફી વગર તેમનું નામ, સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરી શકશે. જો કે, આ તારીખ પછી કરવામાં આવેલા અપડેટ્સ માટે પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે.
ક્રેડિટ કાર્ડનો નિયમ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1લી ડિસેમ્બરથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પરના વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટનો લાભ આપશે નહીં. આ ઉપરાંત, 1 ડિસેમ્બરથી, HDFC બેંક તેના ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે લાઉન્જ ઍક્સેસ નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે.
31 ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે રિટર્ન ફાઈલિંગ
જે વ્યક્તિઓ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે 31 જુલાઈની સમયમર્યાદા સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં નિષ્ફળ રહી હોય તેઓ પાસે હજુ પણ ડિસેમ્બર સુધી તેમનો ITR સબમિટ કરવાની તક છે. પ્રારંભિક સમયમર્યાદા ચૂકી ગયેલા લોકો હવે 31 ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે વિલંબિત ITR ફાઇલ કરી શકે છે.
ટ્રાઇની સમયમર્યાદા
1 ડિસેમ્બર, 2024 ના રોજ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સ્પામ અને ફિશિંગ સંદેશાને ઘટાડવાના હેતુથી નવા ટ્રેસીબિલિટી નિયમો લાગુ કરશે.
માલદીવ જવું મોંઘુ પડશે
માલદીવ આવતા મહિનાથી તેની ડિપાર્ચર ફીમાં વધારો કરી રહ્યું છે. સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પૈકીનું એક માલદીવ પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાં વધારો કરી રહ્યું છે.
એટીએફના ભાવમાં ફેરફાર
1 ડિસેમ્બરથી એર ટર્બાઇન ઇંધણના ભાવમાં પણ ફેરફાર થઇ શકે છે. આવી સ્થિતિમાં ફ્લાઇટ ટિકિટના ભાવ પર અસર પડી શકે છે.