પ્રદૂષણ ફેલાવતા બાંધણીના કારખાનેદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતા નગરજનો
કલર-કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી રહેણાંક વિસ્તારમાં વહેતુ કરાતા સ્થાનિકોમાં રોષ
જેતપુરમાં અમુક લેભાગુ બાંધણીના કારખાનેદારોએ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી રોડ પર જ વહાવી દીધું છે. ફૂલવાડી વિસ્તાર રામજી મંદિર રોડ પર બાંધણીના કારખાનાનું પ્રદૂષિત પાણી જાહેરમાં વહેતુ કરી પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આવા બંધાણીના કારખાનેદાર સામે કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.
બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલા જેતપુરમાં કેટલાક પ્રદૂષણ માફિયાઓ વહેતા પાણીની આડમા પોતાના બાંધણીના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો અને ભૂગર્ભ ગટરમાં વહેતુ કરી દેતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેતપુરના ફૂલવાડી વિસ્તાર રામજી મંદિર રોડ પર બાંધણીના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભૂગર્ભ ગટર અને જાહેર માર્ગ પર વહેતુ કરી દેતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રોડ ઉપર બાંધણીના કારખાનાનું પ્રદૂષિત પાણી વહેતું થયું હતું.
આ વિસ્તાર રહેણાંક હોય અહીં કલરવાળું કેમિકલયુક્ત પાણી કાઢવામાં આવે છે જે અત્યંત જોખમી છે. પ્રદૂષિત પાણીથી લોકોના શરીરમાં ચામડીના રોગો પણ થઈ શકે તેવી શક્યતા છે. પ્રદૂષણ ફેલાવવા કારખાનેદારો સામે તંત્ર લાલ આખ કરે અને લોકોને આ સમસ્યામાથી મુક્તિ અપાવે તેવી લોક માંગ છે.