વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ એક્સલન્સ’થી સન્માનિત કર્યા. આ પહેલા ડોમિનિકાએ પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા.
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાના અને ડોમિનિકામાં મોટુ સન્માન મળ્યું છે. PM મોદીને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ જ્યોર્જટાઉનમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ એક્સલન્સ’થી સન્માનિત કર્યા. જ્યારે ડોમિનિકાએ પણ પીએણ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા.
પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો
ગુયનાનાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘મને ગુયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આ આપણા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે. જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે.’
‘અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ’ : PM મોદી
આ ઉપરાંત વડાપ્રધાન મોદી કહ્યું હતું કે, ‘ભારત અને ગુયાનાના સંબંધો આપણા સહિયારા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. આ સંબંધોને અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જવામાં રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ વ્યક્તિગત રીતે મોટું યોગદાન આપ્યું છે, તેમના નેતૃત્વમાં અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ.’
પીએમ મોદી ડોમિનિકામાં પણ થયા સન્માનિત
ગુયાના પહેલા ડોમિનિકાએ પણ વડાપ્રધાન મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા. ગુયાનામાં આયોજિત ઈન્ડિયા-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા વડાપ્રધાન મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2021માં, વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીની આ ઉદારતાને ચિહ્નિત કરીને, ડોમિનિકાની સરકારે પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.
વધુ વાંચો : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 5 કરોડથી વધારે રેશનકાર્ડ રદ, ક્યાંક તમારું નામ તો નથી ને?
વડાપ્રધાન મોદી ઘણા દેશોમાં સન્માનિત થયા
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા દેશોના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા જુલાઈમાં જ વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી સન્માનિત કર્યા હતા. આ પહેલા પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પોથી પણ નવાજવામાં આવ્યા હતા. ભૂટાને પહેલીવાર કોઈ બિન-ભૂતાન વ્યક્તિને આ સન્માન આપ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીને સંયુક્ત આરબ અમીરાત, અફઘાનિસ્તાન, બહેરીન અને સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ઇજિપ્ત, ફિજી, પાપુઆ ન્યુ ગિની, પલાઉ, અમેરિકા, માલદીવ્સ, પેલેસ્ટાઇનમાંથી ટોચના નાગરિક પુરસ્કારો પણ મળ્યા છે.