પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. અવારનવાર ભારતીય સીમમાં ઘૂસી આવે છે. ત્યારે હવે ઓખાની બોટ પર પાકિસ્તાન મરીને દ્વારા ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે.
Porbandar: પાકિસ્તાન પોતાની હરકતથી બાઝ આવતુ નથી. ગુજરાતના દરિયાઈ સીમામાં અવારનવાર બોટ દ્વારા ઘૂસવાના પ્રયાસો કર્યા છે જે નિષ્ફળ રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના મોડી રાતે બની હોવાની માહિતી મળી રહી છે.
IMBL નજીક ફાયરિંગની ઘટના બની
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે. જેમાં ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો હતો. જો કે ઓખાની ફિશિગ બોટે દરિયામાં જળ સમાધિ લીધી હતી. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવ્યા
પાકિસ્તાન દ્વારા અગાઉ અનેક વખત દરિયાઈ સીમાને ઓળગવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમજ ભારતીય માછીમારીને યેનકેન પ્રકારે હેરાનગતિ તેમજ અપહરણ કરીને લઈ જવાની પણ ઘટના બની છે. જો કે આ વખતે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં ઓખાની બોટમાં માછીમારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જો કે ભારતીય કોસ્ટ ગાર્ડે જળસમાધી લેતા બોટમાંથી માછીમારોને બચાવી લીધા હતા.
ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ
બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.