પાંચ મહીના પહેલા જ કેશિયર નોકરીએ લાગ્યો’તો, આરોપીને સકંજામાં લેવા તજવીજ
ભચાઉ તાલુકાના શિવલખા પાસે હાઇવે પર આવેલા પેટ્રોલપમ્પમાં પાંચ મહિનાથી જ નોકરીએ લાગેલા કેશિયરે ખોટા હિસાબો બનાવી તેમજ આવકમાં ગાલમેલ કરી કુલ રૂૂ.6.95 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પેટ્રોલપમ્પના સંચાલકે લાકડિયા પોલીસ મથકે નોંધાવી છે.
મુળ નખત્રાણાના વડવા કાયાના દિલિપસિંહ નવલસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી શિવલખા બસ સ્ટોપ નજીક માજીશા નામથી પેટ્રોલપમ્પ ચાલુ કર્યો છે. જેમાં પાંચ માણસો નોકરી કરે છેજેમાં પાંચ મહીનાથી કેશિયર તરીકે ગઢશીશાનો કુલદિપસિંહ ગોવિંદજી જાડેજા ફરજ બજાવતો હતો. કુલદિપસિંહ પેટ્રોલપમ્પ પર જ રહેતા અને દસ-પંદર દિવસે તેમને જાણ કરી પોતાના ઘરે જતા હતા. તા.11/9 ના કુલદિપસિંહ તેમને કોઇ જાણ કર્યા વગર પેટ્રોલપમ્પ પરથી નિકળી ગયા હતા.
તા.12/9 ના તેમના મોટા ભાઇએ ફોન કરી કુલદિપસિંહ સવારે નિકળી ગયો છે પમ્પ પર આવી ગયો છે પુછતાં તેમણે પોતાના કર્મી સુરેશ કોલીને પુછતાં તે ત્યાં પહોંચ્યા ન હોવાનું જણાવતાં કુલદિપને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો.
તેમણે પોતાના પાર્ટનર ભરતસિંહ વજેસિંહ રાઠોડને ફોન કરી જાણ કર્યા બાદ બન્ને જણાએ હિસાબ મેળવતાં હિસાબ મળ્યો પણ તે મુજબની રોકડ ન મળતાં તપાસ કરી તો કુલદિપસિંહે પેટ્રોલપમ્પની આવકના 2,17,060 રોકડા, તેમના કાયમી ગ્રાહક અશરફભાઇ ઇસ્માઇલભાઇના નામે ઠગાઇ કરવાના હેતુથી ખોટા બિલો બનાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમના માણસ નરપત ગઢવીની ખોટી સહિઓ કરી રૂૂ.4,07,522, તે જ રીતે જય જીનમાતા રોડલાઇન્સના નામે પણ રૂૂ.49,553 અને શિવલખાના બળુભા જાડેજાએ આપેલા રૂૂ.21,801 મળી કુલ રૂૂ.6,95,936ની ઉચાપત કરી હોવાનો ખ્યાલ આવતાં તેમણે લાકડિયા પોલીસ મથકે કુલદિપસિંહ ગોવિંદજી જાડેજા સામે ફોજદારી નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પીઆઇ એમ.એન.દવેએ વધુ તપાસ હાથ ધરી છે.