રાજકોટ શહેરના લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો એક કેસ નોંધાયેલ હોવાથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્તાર અને તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રભવ જોષી દ્વારા નીચે મુજબના પ્રતિબંધો મૂક્યા છે. જે તા. ૦૭-૧૦-૨૦૨૪ સુધી અમલમા રહેશે.
લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે હેતુથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્તાર તથા આજુબાજુના ૨ કિ.મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો,લારી -ગલ્લા, સ્ટોલ, શરડીના રસના સીસોડા, ફળોના ટુકડા કરી તેનું વૈચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત આ વિસ્તારમા નીચે મુજબની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવુ, ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદી પાણી ન મેળવવું, મકાનોમાં પાણીની ટાંકી સાફ કરવી, વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા, શાકભાજી / ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરી વેંચાણ ન કરવું.ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા. લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવવી, તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેંચાણ પર તાત્કાલીક પ્રતિબંધ મુકવામાં આવે છે. વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતિ દરરોજ આરોગ્ય અધિકારીશ્રીને આપવાની રહેશે.