સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠેથી માદક પદાર્થો ઝડપાવાનો સિલિસિલો શરૂ થયો હોય તેમ વલસાડ બાદ હવે નવસારીમાંથી 30 કરોડનું ડ્રગ્સ પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી એક કિલોના એક એવા 50 પેકેટ રેઢા મળી આવ્યા હતા.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બીલીમોરા, તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખાજામના ચાંગલી દુનિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ 50 જેનું કુલ વજન 50 કિલો જપ્ત કરવામાં આવ્યું છે.
આ માદક પદાર્થની અંદાજિત કિંમત રૂા. 30,00,00,000/ (ત્રીસ કરોડ) આંકવામાં આવી છે. આ જપ્તી બાદ તાત્કાલિક ધટના સ્થળે એફ.એસ.એલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા.જલાલપોર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક કાયદાની કલમ 8(સી), 22(સી), 23(સી) મુજબ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી ગુજરાત પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, જે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.