રાજ્યકક્ષાની ડોક્ટર્સ કોન્ફરન્સમાં “તંદુરસ્ત સમાજનું નિર્માણ” થીમ આધારિત બે દિવસ થશે સેમિનાર અને પેનલ ચર્ચા : IMA રાષ્ટ્રીય સચિવ ડો.અનિલ નાયક, પદ્મભૂષણ ડો.તેજસ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે
ઇન્ડીયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા દર વર્ષે GIMACON – રાજ્યકક્ષાની ડોક્ટર્સ કોન્ફરન્સનું આયોજન કરાતું હોય છે. આ કોન્ફરન્સ આ વર્ષે રાજકોટમાં યોજાશે. IMA રાજકોટને છ વર્ષ બાદ આ કોન્ફરન્સનું આયોજન કરવાની તક મળી છે. 2016માં જ્યારે ડો.અતુલ પંડ્યા ગુજરાત આઇ.એમ.એ ના પ્રમુખ હતા ત્યારે રાજકોટમાં રાજ્યકક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. વર્ષ 2024-25 માટે રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો.ભરત કાકડીયા ગુજરાત ઇન્ડીયન મેડિકલ એસો.ના પ્રમુખ છે ત્યારે આ વર્ષે રાજકોટમાં સેમિનાર યોજાશે. શહેરના કાલાવડ રોડ પર આવેલ હોટલ સીઝન્સમાં 19 અને 20 ઓકટોબરના રોજ 76મી જીમાકોન કોન્ફરન્સ યોજાશે. રાષ્ટ્રીય ઇન્ડીયન મેડિકલ એસો.ના સભ્ય અને ગુજરાત IMA ના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની કોન્ફરન્સથી ડોક્ટરોમાં ઘણો ઉત્સાહ છે. આ વખતે બે દિવસની કોન્ફરન્સમાં “તંદુરસ્ત સમાજનું નિર્માણ” થીમ આધારિત યોજાશે. હોટલ સીઝન્સ ખાતે અલગ અલગ વિષયો પર સંબોધન અને ચર્ચા કરવા અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી સિનિયર ડોકટરો આવશે. આ કોન્ફરન્સમાં 2000 થી વધુ રજયભરથી તબીબો આવવાની ગણતરી છે.