સ્ટે.કમિટીની મીટીંગમાં ગ્રાન્ટ ફાળવણીનો પ્રસ્તાવ મંજૂર કરતા ચેરમેન જયમીન ઠાકર
અર્બન મોબીલીટી માટે રૂા. 51 કરોડ, માળખાકીય સુવિધા માટે 368 કરોડ, સામાજીક સુવિધા માટે 92 કરોડ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 60.72 કરોડની માંગણી મૂકાશે
રાજકોટ શહેરમાં નાણાંકીય વર્ષ 2024-25 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકાર પાસે ફાયનાન્સ બોર્ડ મારફત 572.71 કરોડની ગ્રાન્ટ માંગવા અંગેની દરખાસ્ત આજની સ્ટે.કમીટીની મીટીંગમાં ચેરમેન જયમીન ઠાકરે મંજૂર કરી છે. રસ્તા, બ્રીજ, પાઇપલાઇન, કોમ્યુનિટી હોલ સહિતના માળખાકીય કામો માટે કુલ ર4ર કામોનું લીસ્ટ બનાવીને સરકારને મોકલવામાં આવશે તેવું પદાધિકારીએ જાહેર કર્યુ છે. આજે મીટીંગ બાદ માહિતી આપતા ચેરમેને જણાવ્યું હતું કે, મનપા દ્વારા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં રૂ.572.71 કરોડના કુલ 242 વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી અર્થે દરખાસ્ત માટે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. વર્ષ 2024-25માં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે કુલ રૂ.3100 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે, જે પૈકી રાજકોટ શહેરને રૂ.278.07 કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે જોગવાઇ કરેલ છે, જે પૈકી હાલના તબક્કે રૂ.94.54 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. કુલ મળી રૂ.511.99 કરોડના ત્રણ પ્રકારના કુલ 230 વિકાસ કામો માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. અર્બન મોબીલીટી: અર્બન મોબીલીટી હેડ હેઠળ દરખાસ્તમાં કુલ 13 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.51.19 કરોડ થાય છે. શહેરનાં રોડ ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રેલ્વે અંડરબ્રિજ, હૈયાત નાળાને પહોળા કરવા, સર્કલ ડેવલપમેન્ટ, બ્રીજને સ્ટ્રેન્ધનીંગ, જુના બ્રિજને વાઇડનીંગ, શહેરનાં મુખ્ય રસ્તા પર થર્મોપ્લાસ્ટ થી રોડ માર્કીંગ, પ્રધાનમંત્રી ઇ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન, સી.એન.જી બસો માટે ડેપો વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ: આ દરખાસ્તમાં કુલ 168 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.368.4803 કરોડ થાય છે. ડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, રોડ પર ફુટપાથ, સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન, ટી.પી. રસ્તા રીસ્ટોરેશન કરી ડામર કાર્પેટ કામ, નવી વોર્ડ ઓફીસ, આવાસ યોજનાનાં કંપાઉન્ડમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નવા ભળેલ વિસ્તારમાં સ્વીમીંગ પુલ, ડીવાઇડર સ્ટોન ફીટીંગ કામ, વોકળાની બાજુમાં દિવાલ તથા સ્લેબ કલ્વટ કામ, સેન્ટ્રલ લાઇન ડીવાઇડરના કામો થશે. સામાજીક આંતર માળખાકીય સુવિધાઓ: 49 કામનો ખર્ચ રૂ.92.3261 કરોડ થાય છે. અનામત પ્લોટ પર હાઇજેનિક ફુડ કોર્ટ, કોમ્યુનિટી હોલ, એનીમલ હોસ્ટેલ, હોલ તથા ગાર્ડન રીનોવેશન કામ, રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલીયન બનાવવાનું કામ, યોગા સેન્ટર, શાળા તથા લાઇબ્રેરી નવિનીકરણ,આરોગ્ય કેન્દ્ર તથા સીટી ટ્યુબર ક્યુલોસીસ સેન્ટર, શાક માર્કેટ તથા ફુડ ઝોન, મોર્ડનાઇઝ્ડ ટોઇલેટ, કોર્પો.ના બિલ્ડીગોમાં રૂફ ટોપ સોલાર સીસ્ટમના કામો થશે.