હૃદયરોગના વધતા કેસો માટે ફાસ્ટ ફૂડ, લાઈફ સ્ટાઈલ, કસરતનો અભાવ, અપૂરતી ઉંઘ સહિતના પરિબળો જવાબદાર ભારત હેડલાઈન, તા.૯ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૬ મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના ૪૦૦૪૭ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે ૨૨૭ અને પ્રતિ કલાકે સરેરાશ ૯ જેટલા લોકો હ્રદયને લગતી બિમારીના શિકાર બને છે. આ અંગે ઈમરજન્સી સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૩ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં ૨૦૨૪માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ૨૦ ટકાનો વધારો થયો છે. હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન ૨૦૨૩માં ૩૩૯૭૬ જ્યારે જાન્યુઆરી થી જૂન ૨૦૨૪ માં ૪૦૦૪૭ કેસ નોંધાયા છે.
આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૭૧૭૫ જ્યારે એપ્રિલમાં ૫૯૦૭ કેસ નોંધાયેલા છે. બીજી તરફ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ માં ૧૧૭૮૨ અને જાન્યુઆરીથી જૂન ૨૦૨૩માં ૧૦૧૫૦ કેસ હ્રદયને લગતી ઈમરજન્સીના કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ ૬૫ લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે. ડોક્ટરોના મતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઈફ સ્ટાઈલ મુખ્ય જવાબદાર પરિબળ છે. અનેક લોકો પૂરતી કસરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઈ લે તેવા કિસ્સામાં પણ હૃદયરોગનો હુમલો હોય છે. યોગ્ય આહારશૈલી, નિયમિત વોકિંગ-કસરત, પૂરતી ઊંઘથી હૃદયની તંદુરસ્તીમાં વધારે કરી શકાય છે. ડોક્ટરના મતે હાર્ટ એટેકથી બચવા તણાવમુક્ત જીવન, નિયમિત આહાર, પુરતી ઊંઘ / આરામ, સારો સાત્વીક ખોરાક, તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ. હાર્ટ એટેકના લક્ષણોમાં છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.