જમ્મુ-કાશ્મીરમાં કડકાઇ બાદ આતંકીઓએ જમ્મુ વિસ્તારને પોતાનું નવું નિશાન બનાવ્યું છે. જમ્મુ વિસ્તાર પોતાના શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતો છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં આ વિસ્તાર આતંકવાદીઓના અનેક હુમલાઓથી હચમચી ઉઠ્યો છે. આ હુમલા સરહદી જિલ્લાઓ પુંછ, રાજૌરી, ડોડા અને રિયાસીમાં થયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓએ ફરીથી માથું ઊંચકવાનું શરૂ કરી દીધું છે. અગાઉ ઘાટીમાં આતંકીઓ આતંકવાદી હુમલા કરતા હતા, પરંતુ સેના અને સુરક્ષાદળોની સતત કડકાઇના કારણે આવી ઘટનાઓમાં ખાસ્સો ઘટાડો થયો છે. જો કે આતંકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશનો લગભગ શાંત વિસ્તાર કહેવાતા જમ્મુને હુમલા માટે એક નવું મથક બનાવી દીધું છે. જમ્મુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના હુમલા વધી રહ્યા છે. જૂનથી અત્યાર સુધી ઓછામાં ઓછા 8 એવા હુમલા થયા છે જેમાં સુરક્ષા દળો અને આતંકીઓનો સામનો કરવામાં આવ્યો છે.
તાજેતરનો હુમલો સોમવારે (8 જુલાઈ) કઠુઆ જિલ્લાના મચેડી વિસ્તારમાં થયો હતો, જ્યારે આતંકવાદીઓએ સેનાની એક ટ્રક પર હુમલો કરતાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ) સહિત પાંચ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર પઠાણકોટ મિલિટરી હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે હુમલા બાદ આતંકીઓ નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. હુમલા બાદ સેના તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે.
કઠુઆમાં એક મહિનામાં બીજો હુમલો
એક મહિનાની અંદર કઠુઆ જિલ્લામાં આ બીજો મોટો આતંકી હુમલો છે. 11 જૂને રાત્રે 8 વાગ્યે હિરાનગરના સૈદા સુખલ ગામમાં આતંકીઓએ સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નો એક જવાન શહીદ થયો હતો. જો કે બાદમાં સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા હતા.
છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કઠુઆ (5-6 જુલાઈ)માં થયેલા આતંકવાદી હુમલાના બે દિવસ પહેલા કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. મોટા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 2 દિવસ સુધી ચાલેલી જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ 8 આતંકીઓને ઠાર માર્યા હતા, પરંતુ આ દરમિયાન 2 સૈનિકો પણ શહીદ થયા હતા. સુરક્ષા દળોએ 2 દિવસ સુધી 2 જગ્યા (ચિંગીગામ ફ્રિસલ અને મોડરગામ વિસ્તાર)માં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
ડોડાના ગાંડોહમાં પાક.ના 3 આતંકી ઠાર
26 જૂનના રોજ ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. કેટલાય કલાકો સુધી ચાલેલી ગોળીબારી બાદ માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
19 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીરમાં આગમન પહેલા સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં બે આતંકીઓને ઠાર માર્યા હતા અને રિયાસીમાં યાત્રીઓ પર થયેલા હુમલામાં એક આરોપીની ધરપકડ કરી હતી. રિયાસી હુમલા કેસમાં પણ આ પહેલી ધરપકડ હતી.
કઠુઆ એન્કાઉન્ટરમાં 6 સૈનિકો ઘાયલ
બાંદીપોરામાં 17 જૂને સુરક્ષાદળોને મોટી સફળતા ત્યારે મળી જ્યારે સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને એક આતંકીને ઠાર માર્યો હતો.
11 જૂને બે આતંકીઓએ સરહદ પારથી કઠુઆ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષાબળોએ એક આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. બીજા દિવસે 12 જૂને ડોડા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન 4 રાષ્ટ્રીય રાઇફલ્સના 5 સૈનિક અને એક એસપીઓ ઘાયલ થયા હતા.
9 જૂને યાત્રાળુઓની બસ પર હુમલો
9 જૂને આતંકીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઘણા શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશના રિયાસી જિલ્લાની સરહદે આવેલા કાલાકોટ તહસીલના શિવ ખોડી મંદિરથી પરત ફરી રહેલી બસ પર અચાનક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 તીર્થયાત્રીઓના મોત થયા હતા અને 43 અન્ય ઘાયલ થયા હતા. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
3 જૂને પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો એક ટોપ કમાન્ડર પણ સામેલ હતો. આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર રિયાઝ અહમદ ડાર અને તેના સાથી રઈસ અહમદ માર્યા ગયા હતા. રિયાઝ અહેમદ ડાર છેલ્લા 8 વર્ષથી આતંકી ગતિવિધિઓમાં સક્રિય હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/