દેશની વિવિધ બેંકોને બેંકિગ સેવાઓ પૂરી પાડતી કંપની સી-એજ ટેક્નોલોજીસની સિસ્ટમ પર રેન્સમવેર એટેક થયો છે. આ સાયબર હુમલાને કારણે ગુજરાત સહીત દેશભરની 300 નાની બેંકોના રોજબરોજના કામકાજને અસર થવા પામી છે. રેન્સમવેર એટેકનો ભોગ બનેલ બેંકોની UPI, IPMS જેવી પેમેન્ટ સિસ્ટમ પણ હાલ પુરતી બંધ થઈ ગઈ છે.
NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિસ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોને સેવાઓ આપતી સી-એજ ટેક્નોલોજીની સિસ્ટમ પર રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર હુમલાને કારણે, IPMS અને UPI જેવી પેમેન્ટ સિસ્ટમ્સ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે.
NPCIએ જણાવ્યું હતું કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે, સી-એજ ટેક્નોલોજીસને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સ ઍક્સેસ કરવાથી અસ્થાયી રૂપે અલગ કરવામાં આવી છે. રેન્સમવેર હુમલાના કારણે, ગુજરાત સહિત લગભગ 300 નાની ભારતીય બેંકોની પેમેન્ટ સેવાઓ ઠપ થઈ જવા પામી છે. અન્ય કેટલીક બેંકિગ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.
બેંકો પર રેન્સમવેર એટેક : આ બેંકોને અસર થઈ હતી
બેંકિંગ સેક્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રેન્સમવેર હુમલાથી ખાસ કરીને સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને અસર થવા પામી છે. જેઓ SBI અને TCS સંયુક્ત સાહસ સી-એજ ટેક્નોલોજીસ પર નિર્ભર છે. અન્ય બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે. સી-એજ ટેક્નોલોજીસ, જે દેશભરની નાની બેંકોને બેંકિંગ ટેક્નોલોજી સિસ્ટમ પૂરી પાડે છે. સી-એજ ટેક્નોલોજીસે હાલમાં રેન્સમવેર હુમલા અંગે કાઈ કહેવાનો હાલ પુરતો ઇનકાર કર્યો છે.
રેન્સમવેર એટેક : હુમલાને કારણે આ જોખમો થઈ શકે
- સાયબર એટેકનો સૌથી મોટો ખતરો આર્થિક નુકસાનનો છે, હુમલાખોર ખંડણી માંગી શકે છે.
- જો કંપની પાસે ચૂકવણી કરવા માટે પૈસા નથી, તો તેઓ તમામ ડેટા ગુમાવી શકે છે, એટલે કે ડેટા ગુમાવવો એ એક મોટો ખતરો છે.
- રેન્સમવેર હુમલાથી મહત્વપૂર્ણ ફાઇલને એન્ક્રિપ્ટ કરી શકે છે અને તેને નકામી બનાવી શકે છે, પરિણામે ગ્રાહક ડેટા અથવા ગોપનીય માહિતી ગુમાવી શકે છે.
- કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે, જો ગ્રાહકોને ખબર પડે કે તેમની અંગત માહિતી લીક થઈ ગઈ છે, તો તેઓ તેમના વ્યવસાયને અન્યત્ર લઈ જઈ શકે છે.
રેન્સમવેર એટેક શું છે?
રેન્સમવેર એ એક એવુ ખતરનાક સોફ્ટવેર છે, જે મજબૂત એન્ક્રિપ્શન દ્વારા મહત્વપૂર્ણ ફાઇલોને લોક કરી નાખે છે. આ મહત્વપૂર્ણ ફાઇલોને અનલોક કરવાના બદલામાં, સાયબર એટેક કરનાર જે તે સંસ્થા કે કંપની પાસેથી મોટી રકમની માંગણી કરે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ નોંધાયેલા છે.
Post Views: 85