બેંકોમાં નાણા જમા કરાવવામાં યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે. SBIના રિપોર્ટ અનુસાર, બેંકોની ડિપોઝિટ સ્કીમ વળદ્ધોના ભરોસે ચલાવવામાં આવી રહી છે. બેંકોમાં કુલ થાપણોમાં વળદ્ધ ખાતાધારકોનો હિસ્સો ૪૭% છે. યુવાનો વધુ સારા વળતર માટે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા અન્ય રોકાણ વિકલ્પો તરફ આકર્ષાય છે અને આ આકર્ષણ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શકયતા છે. રિપોર્ટ અનુસાર, શેરબજારના રોકાણકારોની સરેરાશ ઉંમર માત્ર ૩૨ વર્ષ છે. ૪૦% રોકાણકારોની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે. ૨૦૧૩-૧૪માં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાયેલ કુલ રકમ રૂ. ૩.૯૫ લાખ કરોડ હતી અને એયુએમ માત્ર રૂ. ૮ લાખ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૪માં વધીને રૂ. ૬૫ લાખ કરોડ થઈ હતી અને રોકાણ કરાયેલી રકમ રૂ. ૧૯.૧૦ લાખ કરોડ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં, બેંકની થાપણ યોજનાઓ પર વ્યાજ દર (ત્રણ વર્ષના સમયગાળા માટે) ૫.૪૫% હતો, જ્યારે દેશમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ પર એકંદર વળતર ૪૬.૩૭% હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં શેરમાં સીધા રોકાણ પર સરેરાશ વળતર ૨૪.૮૫% હતું. રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ પર ૪૦.૧૬% વળતર મળ્યું. જ્યારે આ વર્ષે ત્રણ વર્ષની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર માત્ર ૬.૫૬% રિટર્ન આપવામાં આવી રહ્યું છે. એસબીઆઈના રિપોર્ટ અનુસાર, રોકાણકારો ત્યાં જ જશે જ્યાં તેમને સારું વળતર મળશે.
એસબીઆઈના અહેવાલમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની ચિંતાઓને પણ નકારી કાઢવામાં આવી છે કે બેંકિંગ ક્ષેત્રમાં થાપણોનો વિકાસ દર ધીમો પડી રહ્યો છે, જ્યારે લોન વિતરણની ગતિ ઝડપી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ થી, જાહેર ક્ષેત્રની બેંકોમાં થાપણોમાં કુલ રૂ. ૬૧ લાખ કરોડનો વધારો થયો છે જ્યારે લોન વિતરણની રકમ રૂ.૫૯ લાખ કરોડ વધી છે. એક દાયકામાં થાપણોમાં ૨.૭૫ ગણો અને લોનની રકમમાં ૨.૮ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકોની થાપણોમાં ૨૩.૪ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને લોનની રકમમાં ૨૭.૫ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.