બેંગલુરુમાં 29 વર્ષીય મહાલક્ષ્મીની હત્યા કરી તેનાં 59 ટુકડા કરી ફ્રીજમાં રાખનાર આરોપીએ બુધવારે ઓડિશામાં ફાંસી લગાવી હતી. મહાલક્ષ્મી હત્યા કેસનાં મુખ્ય શંકાસ્પદ મુક્તિરાજન પ્રતાપ રે સવારે ઓડિશાના ભદ્રક જિલ્લાના ભુઈનપુર ગામ પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ગયાં અઠવાડિયે શનિવારે, પોલીસને મહાલક્ષ્મીનો મૃતદેહ બેંગલુરુના વિનાયક નગરમાં તેના ઘરમાં ફ્રીજની અંદર મળ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમોની રચના કરી હતી અને તેઓએ મુક્તિરાજન પ્રતાપ રેને મુખ્ય શંકાસ્પદ ગણાવ્યાં હતાં. બેંગલુરુ ડીસીપી શેખર એચ. ટેકન્નવરે કહ્યું કે પ્રતાપ રેએ આત્મહત્યા કરી છે.
ઓડિશાના ધુસુરીમાં પોલીસનાં જણાવ્યાં અનુસાર, રેએ કથિત રીતે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી શાંતનુ કુમાર જેનાએ કહ્યું કે તેમને આત્મહત્યાની માહિતી મળી છે અને મૃતકની ઓળખ રે તરીકે કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુક્તિરાજને પોલીસથી બચવા માટે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
21 સપ્ટેમ્બરના રોજ તેમનાં ઘરમાં રાખેલાં ફ્રિજમાંથી મહાલક્ષ્મીના શરીરનાં ટુકડા મળી આવ્યાં હતાં. આ પછી, આ અંગે વ્યાલીકાવલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હત્યારાઓને પકડવા માટે ડેપ્યુટી પોલીસ કમિશનર શેખરના નેતૃત્વમાં 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. તપાસમાં પુષ્ટિ થઈ છે કે ઓડિશાના મુક્તિરાજન પ્રતાપ રે, જે મોલની દુકાનમાં મહાલક્ષ્મી સાથે કામ કરતો હતો તે મુખ્ય શંકાસ્પદ આરોપી હતો.
પોલીસને ત્યારે શંકા ગઈ જ્યારે તેમને ખબર પડી કે મહાલક્ષ્મી જે દિવસથી કામ પર આવતી ન હતી, મુક્તિરાજન પ્રતાપ રે પણ તે જ. દિવસથી કામ પર ગયો ન હતો. આ પછી પોલીસે જ્યારે મુક્તિ રાજન વિશે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે મુક્તિ રાજનનો મોબાઈલ સૌથી પહેલાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં બંધ હતો.
આ પછી એક ટીમ બંગાળ પહોંચી હતી. બાદમાં ખબર પડી કે તે ઓડિશા ગયો હતો. આ પછી, એક ટીમે ઓડિશામાં પડાવ નાખ્યો અને તેને પકડવા માટે સઘન ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસે ઓડિશામાં રહેતાં તેનાં પરિવારને શોધી કાઢ્યો અને મુક્તિ રાજનના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી અને પોલીસ ટીમને મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આરોપી પોતાનાં વતન નજીકનાં જંગલમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. પોલીસે તરત જ ત્યાં જઈને મુક્તિરાજનની મંગળવાર સાંજે શોધખોળ કરી હતી, પરંતુ મુક્તિરાજન ત્યાં એક ઝાડ પર લટકતો મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં મુક્તિરાજને કબૂલાત કરી હતી કે તેને બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી હતી. આ પછી, તેને તેનાં શરીરનાં 59 ટુકડા કરી દીધાં અને રેફ્રિજરેટરમાં રાખ્યાં હતાં