જન્માષ્ટમીના તહેવારો અને હીરા ઉદ્યોગમાં લાંબા વેકેશનના કારણે સુરતથી સૌરાષ્ટ્રમાં વતન જવા માટે હીરા ઘસુઓનો ભારે ધસારો હોવાથી ખાનગી બસ અને ટેક્ષી ચાલકો ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી તેમજ અમુક બસ ચાલકો તો બસની ઉપર પણ મુસાફરોને બેસાડી જોખમી સવારી કરાવી રહ્યાં છે. હાલ ચોમાસાના કારણે રોડ રસ્તા ભાંગી પડયા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
લોકોનો જોખમી રીતે મુસાફરી કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. દરમિયાન વધુ એક વીડિયો સુરત જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં બસની ઉપર લોકો બેસીને જોખમી મુસાફરી કરી રહ્યા છે. સુરતના કામરેજ ચાર રસ્તા પાસે નામે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો બસની ઉપરના ભાગે બેસીને મુસાફરી કરી રહ્યા છે. આ જોખમી મુસાફરી કહી શકાય કારણ કે આ પ્રકારની જોખમી મુસાફરીના કારણે દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. કોઈપણ પ્રકારની સેફ્ટી વગર લક્ઝરી બસની ઉપર ચડી બેઠા છે. જો કોઈ મુસાફરને ઝોકું આવી ગયું અથવા શરીરનું સંતુલન ખોરવાય તો અકસ્માત થવાની ઘટના પણ નકારી શકાય તેમ નથી ત્યારે લોકોએ આ પ્રકારની જોખમી મુસાફરી કરવી ના જોઈએ.