દેશભરમાં રેલવે ટ્રેક સાથે ચેડા કરીને ટ્રેન ઉથલાવવાના એક બાદ એક ષડયંત્ર વચ્ચે હવે રાજસ્થાનમાં હનુમાનગઢ સહિત અનેક રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા મજબુત બની છે.
હનુમાનગઢ સ્ટેશન પર કોઇ અજાણ્યા વ્યકિતએ લખેલો પત્ર મળ્યો હતો અને તેમાં જૈશ-એ-મોહમ્મદના નામે ધમકી આપવામાં આવી હતી અને તેમાં જણાવાયું હતું કે રાજયના અનેક રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની તૈયારી છે.
આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ રેલ્વે પોલીસ ઉપરાંત રાજય પોલીસ અને રેપીડ એકશન ફોર્સ પણ એલર્ટ થઇ ગઇ હતી અને જયપુર સહિતના રેલ્વે સ્ટેશનોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો હતો અને તમામ સ્ટેશનોની તલાસી માટે આદેશ અપાયો હતો.
રાજસ્થાનમાં વારંવાર ધમકીભર્યા પત્ર મળતા રહે છે. છેલ્લા 11 મહિનામાં 7 વખત રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, સ્કુલો અને અન્ય ભીડભાડવાળી જગ્યાઓએ બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી.
જેમાં જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ર6 એપ્રિલે ધમકી મળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી વિમાની મથકનું કામકાજ ઠપ્પ કરી દેવાયું હતું. ગઇકાલે મળેલા પત્રમાં 30 ઓકટોબરે ગંગાનગર, હનુમાનગઢ, જોધપુર, બિકાનેર, કોટા, બુંદી, ઉદયપુર, જયપુર સહિતના સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.