વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યા બાદ મોદી હોકી ટીમ સહિત અન્ય રમતોના ખેલાડીઓને મળ્યા હતા.
પીએમ મોદી પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના ખેલાડીઓને મળ્યા હતા. પછી તે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રાન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને પણ મળ્યા.
અહીં મનુ તેમને પિસ્તોલ બતાવતી જોવા મળી હતી. જે બાદ અમન સેહરાવત અને સ્વપ્નિલ કુસાલેને વડાપ્રધાન મળ્યા હતા. આ પછી બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સાથે વાત કરી હતી. લક્ષ્ય સેન બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગયો હતો. પેરિસ ઓલિમ્પિકમાં કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 6 મેડલ જીત્યા જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર, મેન્સ હોકી ટીમ, સરબજોત સિંહ અને રેસલર અમન સેહરાવત સાથે વાત કરી. આ દરમિયાન પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર અન્ય ઘણા ખેલાડીઓ પણ હાજર હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રમતવીરોને પ્રેરણા આપી અને ભારતીય ટીમના તમામ સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી.
એથ્લેટ્સ સાથેની મુલાકાત દરમિયાન પોતાનો ફોટો શેર કરતા વડાપ્રધાને લખ્યું, પેરિસ ઓલિમ્પિકમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલી ભારતીય ટીમ સાથે વાતચીત કરીને ખૂબ આનંદ થયો. રમત દરમિયાન તેમના અનુભવો સાંભળ્યા અને મેદાન પર તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ ગુણવત્તાની રમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થાય તેની ખાતરી કરશે.
જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા પીએમ મોદીને મળવા ગયેલા ખેલાડીઓમાં સામેલ નહોતા, કારણ કે તેઓ હજુ સુધી ઘરે પરત ફર્યા નથી. બે વખતનો ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ગ્રોઇનની ઈજાની સમસ્યાને કારણે તબીબી સલાહ લેવા માટે જર્મનીમાં છે.
વડાપ્રધાનને મળ્યા બાદ આ ખેલાડીઓ ઘણા ખુશ હતા. હોકી ટીમના સભ્ય મનદીપ સિંહ અને મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને PM સાથે મુલાકાતના તેમના અનુભવો શેર કર્યા. બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ વતી પીએમ મોદીને હોકી સ્ટીક આપી, જેમાં તમામ ખેલાડીઓના હસ્તાક્ષર હતા