લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં ભાંડો ફૂટતા મામલતદારે ફરિયાદ નોંધાવી
જેતપુરમાં રહેતી મહિલા દ્વારા કરાયેલી લેન્ડગ્રેબીંગની અરજી સંદર્ભે રાજકોટ કલેક્ટરમાં મળેલી લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં ફરિયાદીએ કરેલી અરજી સંદર્ભે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા મહિલા દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો બોગસ હોવાનું જાણવા મળતા જેતપુર મામલતદારે આ મામલે ફરિયાદી મહિલા સામે જ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના મામલતદાર મહેશકુમાર બાવાભાઈ પટોડિયાની ફરિયાદને આધારે જેતપુર રહેતી રાધાગૌરી દિનેશકુમાર રાદડિયા અને તેની સાથે તપાસમાં જે ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાધાગૌરીએ રાજકોટ જિલ્લા કલેક્ટરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં ભૂષણ જોગીએ પોતાની જમીન પચાવી પાડ્યાનું જણાવ્યું હતું. આ મામલે ભૂષણ જોગી સામે ફરિયાદ દાખલ કરવા માટે નિર્ણય પણ લેવાયો હતો. અને જેતપુર સીટી પોલીસ મથકમાં તેની સામે ગુનો પણ નોંધાયો હતો. આ બાબતે અરજી કરનાર રાધાગૌરી દિનેશકુમાર રાદડિયાએ રજૂ કરેલા જરૂરી દસ્તાવેજો અંગે ચકાસણી કરતા રાધાગૌરીએ પોતાની જે જમીનના દસ્તાવેજોમાં લેઆઉટ પ્લાન રજૂ કર્યો હોય તે દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ મામલે ગત તા. 18-6-24ના રોજ કલેક્ટર ખાતે મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીએ પૂન: ચકાસણી કરી અહેવાલ રજૂ કરતા રાધાગૌરીએ રજૂ કરેલ લેઆઉટ પ્લાનમાં વિસંગતતા હોય અને ખોટુ રેકોર્ડ ઉભુ કરીને લેન્ડગ્રેબીંગની ખોટી અરજી કરી ફરિયાદ કરાવી હોય જે મામલે પ્રાંત અધિકારી દ્વારા અરજદાર રાધાગૌરી સામે ફરિયાદ કરતા હુકમ કરતા જેતપુર મામલતદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 465, 467, 471 મુજબ ગુનો નોંધ્યો છે. લેન્ડગ્રેબીંગની ઓનલાઈન અરજી કરીને કલેક્ટર તંત્રને ખોટે માર્ગે દોરીને રાધાગૌરીએ ભૂષણજોગી સામે ખોટી રીતે ફરિયાદ કરી હોય જેમાં ગુનો પણ નોંધાયો હોય અને ભૂષણજોગીની ધરપકડ પણ કરાઈ હોય ત્યારે આ સમગ્ર મામલે કરેલી કાર્યવાહીમાં કલેક્ટર તંત્ર દ્વારા શું દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી નહીં હોય તે બાબતે પણ અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. ગુનો નોંધાયા બાદ અરજદારે જ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય ત્યારે આ મામલે આગામી દિવસોમાં લેન્ડગ્રેબીંગની અરજીમાં પારદર્શક વ્યવહાર વહીવટ સાથે ચકાસણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે.