દેશમાં માદક દ્રવ્યોની તસ્કરીના સતત વધતા જતાં કેસમાં દિલ્હી પોલીસે આજે માદક દ્રવ્યો અંગે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને રૂા.બે હજાર કરોડનું કોકેઇન ઝડપી લીધું હતું. આ માદક દ્રવ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સીન્ટીકેટનું હોવાનું મનાય છે. 560 કિલો જેટલું ડ્રગ્સ સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી.
આ અંગે નાર્કો-ટેરર એંગલથી પણ તપાસ થઇ રહી છે. દેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિ માટે નાણાં પુરા પાડવા પાકિસ્તાન અને મ્યાનમારમાંથી ડ્રગ્સ મોકલીને ભારતમાં તે વેંચવામાં આવે છે અથવા તો અહીંથી અન્ય દેશોમાં પુરવઠો મોકલવામાં આવે છે અને તેમાં જે વધારાના નાણાં મળે તે ત્રાસવાદી પ્રવૃત્તિ માટે વાપરવામાં આવે છે.
દિલ્હી પોલીસને મળેલી બાતમી પરથી એક સ્થળે દરોડો પાડીને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેઓ પાસેથી ખાસ પેકીંગમાં મુકાયેલ 560 કિલો કોકેઇન ઝડપી લેવાયું હતું.
જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા.બે હજાર કરોડની કિંમત માનવામાં આવે છે અને આ અંગે હવે તમામ ચારેયની પૂછપરછ શરુ કરાઇ છે. તથા આ માદક દ્રવ્યો ક્યાંથી આવ્યો હતો અને કોને મોકલવામાં આવનાર હતો અને તેમાં લોકલ એજન્ટ કોણ હતાં? તે અંગે પણ તપાસ શરુ કરાઇ છે.