ગુજરાતમાં વરસાદનાં નવા રાઉન્ડમાં મેઘસવારી વધુ વ્યાપક બની રહી હોય તેમ આજે રાજયનાં 181 તાલુકામાં હળવો-ભારે વરસાદ પડયો હતો સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ સાત ઈંચ થયો હતો.
રાજય હવામાન વિભાગનાં રીપોર્ટ મુજબ રાજયના અનેક ભાગોમાં ગઈસાંજથી વાતાવરણ બદલાવા લાગ્યુ હતું. અને મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સાત ઈંચ જેવા ભારે વરસાદથી ઉંમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય સુરત શહેર સવા ત્રણ ઈંચ વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નવસારી શહેર તથા જેતપુર પાવીમાં પણ ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.
રાજયના 18 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો જયારે 60 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ પડયો હતો. રાજયના સુરત, અમરેલી, વડોદરા, નવસારી, છોટા ઉદેપુર, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, ભાવનગર, પંચમહાલ, તાપી, આણંદ, સુરેન્દ્રનગર રાજકોટ સહીતનાં જીલ્લાઓમાં હળવો ભારે વરસાદ હતો.
વરસાદના નવા રાઉન્ડ વચ્ચે રાજયમાં સીઝનનો કુલ વરસાદ સરેરાશ કરતાં 128 ટકાથી પણ વધી ગયો હતો હવામાન વિભાગ દ્વારા માસાંત સુધી વરસાદનો વર્તમાન રાઉન્ડ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
વરસાદનો વ્યાપ તથા તીવ્રતા વધવાને કારણે ખેડુતો માથે ચિંતાના વાદળો સર્જાયા છે ભારે વરસાદમાં ખરીફ પાકને નુકશાન થવાનું જોખમ ઉભુ થઈ શકે છે. ખરીફ પાક નિકળવા લાગ્યો છે ત્યારે જ વરસાદ ત્રાટકતા આવક પણ નોંધાઈ શકે છે