ગુજરાતમાં મહાનગરો સહિતના વિસ્તારોમાં સતત વણસતી જતી ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત રખડતા ઢોર સહિતના મુદ્દે અનેક વખત હાઇકોર્ટની ફટકારનો ભોગ બન્યા બાદ આખરે ગુજરાત સરકારે પ્રારંભિક તબકકામાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ચાર શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પાંચ મુદાનો કાર્યક્રમ અમલમાં મુકવા તૈયારી કરી છે.
આ અંગે તમામ ચાર મહાનગરપાલિકાઓને એક પરિપત્ર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે. રાજય સરકારના આદેશ મુજબ પાંચ E ક્ષેત્રમાં કામ કરીને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તે જોવા નિર્ણય લીધો છે. જેમાં એન્જીનીયરીંગ એટલે કે શહેરી અને તેની સાથે જોડાયેલા હાઇવે માર્ગોના મકાનો તેની આસપાસના દબાણો અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા પસાર થઇ શકે છે તે માટે મજબુત લેન વ્યવસ્થા તેમજ સતત નજર રાખવા સીસીટીવી સહિતની મોનીટરીંગનો સમાવેશ થાય છે અને તેમાં જયાં ટ્રાફિક સતત ગીચ રહેતો હોય ત્યાં ખાસ ટ્રાફિક જંકશન ઉભા કરીને રાહદારીઓ માટે ખાસ વ્યવસ્થા અને ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પોતપોતાની લેન ઉપર માર્ગો પર દોડતા રહે તે જોવામાં આવશે અને આ માટે એન્ફોર્સમેન્ટને મહત્વ અપાશે.
એક વખત માર્ગમાં ટ્રાફિક જાળવણી સહિતની વ્યવસ્થા થઇ ગયા બાદ તેના અમલ માટે મહાનગરપાલિકા અને પોલીસની એક સંયુકત મોનીટરીંગ કમીટી બનશે જે દર 15 દિવસે ટ્રાફિક વ્યવસ્થા અંગે સમીક્ષા કરશે. અકસ્માત ઝોન ઓળખીને ત્યાં ફરી એ પ્રકારના અકસ્માતો ન થાય તે નિશ્ર્ચિત કરશે જયારે ત્રીજા તબકકામાં એન્કરેજમેન્ટ એટલે લોકોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકના નિયમો તથા કાનુન પાલન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને બીજી તરફ વારંવાર ટ્રાફિક ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત એજયુકેશન એટલે કે જે લોકો લર્નિંગ સહિતના લાયસન્સો મેળવે છે તેઓને ભાગ્યે જ ટ્રાફિકના નિયમો અંગે માહિતી હોય છે અને તેથી જ શાળાઓથી લઇ કોલેજોમાં અને સામાન્ય નાગરિકો માટે પણ ટ્રાફિકના નિયમોની જાળવણી અંગેના ખાસ આયોજનો થશે. જયારે પાંચમા E માં ઇ-વેલ્યુએશન સમગ્ર વ્યવસ્થાનું સતત અપગ્રેડેશન થાય અને તેમાં જે કંઇ ક્ષતિઓ હોય તેમજ કાનુન અને નિયમોમાં સુધારાની જરૂર હોય તે પણ નિશ્ર્ચિત કરાશે. દરેક મહાનગરોમાં ડે.કમિશ્નર અને ડીસીપીના અધ્યક્ષ પદ હેઠળ એક કમીટી બનશે.
તે દર 15 દિવસે આ કમીટી જે તે વ્યવસ્થાની સમીક્ષા કરશે. એટલું જ નહીં મહાનગરપાલિકા દ્વારા માર્ગોની જાળવણી યોગ્ય રીતે થાય, માર્ગો ઉપર સર્જાયેલા દબાણો દુર થાય અને રખડતા ઢોર સહિતની સમસ્યા પણ ન રહે તે જોવાની જવાબદારી નાંખવામાં આવે છે પોલીસ એ ટ્રાફિક જાળવણી માટે કામ કરશે અને ચારે મહાનગરોમાં જે કંઇ વ્યવસ્થા ઉભી થશે તેની દર બે મહિને ગૃહ વિભાગ તેમજ શહેરી વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરીની કમીટી સમીક્ષા કરશે અને જરૂરી નિર્ણયો લેશે. ગુજરાતમાં સતત વધતા જતા વાહનો અને સાંકડા થતા જતા માર્ગોને કારણે ટ્રાફિકની સમસ્યા હવે અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે રાજય સરકારે હવે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધુ છે.
એન્જીનીયરીંગ : ટ્રાફિક જાળવણી માટે માર્ગ-બાંધકામ જાળવણીની વ્યવસ્થા
એન્ફોર્સમેન્ટ : ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે માર્ગો ઉપર ખાસ પોઇન્ટ
એન્કરેજમેન્ટ : ટ્રાફિક પાલન માટે લર્નિંગ લાયસન્સથી સિનીયર સીટીઝન સુધી પ્રોત્સાહન યોજના
એજયુકેશન : લોકોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અંગે માહિતી આપવા ખાસ કેમ્પ
ઇ-વેલ્યુએશન : સતત મોનીટરીંગ : રાજય કક્ષાએ ગૃહ અને શહેરી વિકાસ સચિવની કમીટી નજર રાખશે