એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જતી વખતે મહિલાએ રસ્તામાં જ દમ તોડયો
રાજકોટ સહિત રાજ્યભરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેંગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડેંગ્યુની બીમારીથી અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં કોઠારીયા ગામ વિસ્તારમાં રહેતી પરિણીતા ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે પરિણીતાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. પરિણીતાના મોતથી દસ વર્ષના માસુમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા 20 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરોનું જોર વધવાલાગ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ છાશવારે તાવ અને ડેન્ગ્યુ સહિતની બીમારી સબબ અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં કોઠારીયા ગામે આવેલા ભવાની ચોક પાસે રહેતી નયનાબેન આશિષભાઈ મોલીયા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિવાર દ્વારા પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. ત્યારે નયનાબેન મોલીયાએ રસ્તામાં જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નયનાબેન મોલીયાના પતિ દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને નયનાબેન મોલીયાને સંતાનમાં એક દસ વર્ષનો પુત્ર છે નયનાબેન મોલિયા છેલ્લા પાંચ દિવસથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા હતા અને તેની દવા ચાલુ હતી પરંતુ અચાનક રાત્રીના તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.